વિશ્વ વિખ્યાત યાત્રાધામ દ્વારકામાં ગઈકાલે મંગળવારે સાંજે વિશ્ર્વના પ્રથમ હરોળના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ગ્રુપના સર્વેસર્વા મુકેશભાઈ અંબાણી તેમજ તેમના માતા કોકીલાબેન અંબાણી ઠાકોરજીના ઉત્થાપન સમયે જગતમંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઠાકોરજીના ચરણોમાં શીશ ઝુકાવી, આશીર્વાદ મેળવ્યા હતા.
જગતમંદિરમાં ઠાકોરજીને તિરૂપતિ બાલાજીના દૈદિપ્યમાન સ્વરૂપ સાથેનો શૃંગાર મનોરથ યોજવામાં આવ્યો હતો. મંગળવારે સાંજે ઠાકોરજીના ઉત્થાપન સમયે રિલાયન્સ ગુ્રપના અંબાણી પરિવારના સૌજન્યથી પૂજારી દ્વારા જગતમંદિરમાં છપ્પનભોગ મનોરથ યોજવામાં આવ્યો હતો. ઠાકોરજીના દિવ્ય સ્વરૂપ સાથેના છપ્પનભોગ મનોરથનો ઉપસ્થિત હજારો ભાવિકોએ લાભ લીધો હતો તેમજ ઓન લાઈનના વિવિધ માધ્યમથી લાખો કૃષ્ણ ભકતોએ આ દિવ્ય દર્શન નિહાળ્યા હતા.
જામનગરની ટાઉનશીપ ખાતે તાજેતરમાં ખાતે અનંત અંબાણીની પ્રિ-વેડીંગ સેરીમની અંતર્ગત હાલારના મોંઘા મહેમાન બનેલા મુકેશભાઈએ મંગળવારે ઠાકોરજીનું પૂજન અર્ચન કર્યું હતું. જેમાં અંબાણી પરિવાર દ્વારા દ્વારકાધીશને બાલાજી સ્વરૂપમાં છપ્પનભોગ મનોરથ પણ યોજવામાં આવ્યો હતો.
જય દ્વારકાધીશના ઉદબોધન સાથે મિડીયાને સંબોધતા મુકેશભાઈ અંબાણીએ જણાવ્યું કે દ્વારકાધીશના આશીર્વાદથી અનંત અને રાધિકાના પ્રી-વેડીંગ સેલીબ્રેશન્સ સારી રીતે સંપન્ન થયા છે. જે માટે બધાનો સહયોગ રહ્યો અને વિશેષત: જામનગરવાસીઓને સ્પેશ્યલ થેન્ક્યુ કહેતા મુકેશ અંબાણીએ જણાવ્યું કે જામનગરવાસીઓના સહયોગથી હવે જામનગર ઇન્ટરનેશનલ મેપ પર આવી ગયુ છે. અને આ દ્વારકાધીશના આશીર્વાદ વગર થાય નહિં. અનંત અને રાધિકાને તમારા તમારા આશીર્વાદ બદલ હું અને નીતા તેમજ સમસ્ત અંબાણી પરિવાર ખૂબ ખૂબ આભારી છીએ.