ગુજરાતમાં મિલકતોની જંત્રીમાં રાજય સરકારે રાતોરાત ઝીંકેલા 100 ટકાના વધારાથી મિલ્કત ધારકોથી માંડીને બિલ્ડર લોબીમાં સોપો પડી જ ગયો છે. આજે નવી જંત્રી પ્રમાણે દસ્તાવેજ નોંધણી ફરજીયાત હોવાથી રાજયભરની સબ રજીસ્ટ્રાર કચેરીઓએ અંધાધુંધીનો માહોલ સર્જાયો હતો અને અનેકવિધ વિવાદો ઉભા થયા હતા. ગત શુક્રવારે જ સ્ટેમ્પ પેપર મેળવીને એપોઈન્ટમેન્ટ મેળવી લીધેલા ગ્રાહકોનાં દસ્તાવેજ જેવા મુદાઓ પર વ્યાપક વિવાદ સર્જાયો હતો. ગુજરાતમાં 2011 થી નહી બદલાયેલા જંત્રી દરમાં રાજય સરકારે એકાએક 100 ટકાનો વધારો જાહેર કરી દેવામાં આવ્યો હતો
તેને પગલે સમગ્ર રીયલ એસ્ટેટ માર્કેટમાં ખળભળાટ સર્જાયો હતો એક ઝાટકે જંત્રી દર ડબલ કરી દેવા સામે બિલ્ડરોએ નારાજગી દર્શાવવાની સાથે તબકકાવાર 5.25 ટકાનો વધારો કરવાનું સુચવાયૂં હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી માંડીને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સમક્ષ રજુઆતો કરવામાં આવી હતી. રીયલ એસ્ટેટ ક્ષેત્રનાં સુત્રોએ કહ્યું કે જંત્રીદર વધારો રાતોરાત લાગુ કરી દેવામાં આવ્યો હોવાથી આજે પ્રથમ દિવસે જ અંધાધુંધીનો માહોલ સર્જાયો હતો.
કારણ કે અનેક મુદે વિવાદ થયા હતા. આજે મિલકત દસ્તાવેજ માટે જુના દર મુજબ સ્ટેમ્પ પેપર ખરીદીને દસ્તાવેજ માટે જુના દર હોય અને આજની એપોઈન્ટમેન્ટ મેળવી લેવામાં આવી હોય તેવા કિસ્સામાં જુની જંત્રી મુજબ દસ્તાવેજનો સુર ઉડતા વિવાદ થયા હતા. આવા અનેક મુદાઓનાં વિવાદ ઉભા થયા હતા. જાણકારોએ કહ્યું કે નવા જંત્રીદર મુજબ આજે પ્રથમ દિવસે એકપણ દસ્તાવેજ થયાની શકયતા ઓછી છે કારણ કે દસ્તાવેજ તૈયાર થઈ ગયા હોય તેમાં પણ ફેરફાર કરવાની નોબત છે.જંત્રીદરમાં વદારાને કારણે નવા પ્રોજેકટો 20 ટકા મોંઘા થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં જમીનનાં ભાવ ઘણા ઉંચા છે જ અને તેમાં જંત્રીદર વધવાથી બીલ્ડરોને તે વધુ મોંઘી પડે એટલે આવાસ-કોમર્સીયલ સહીત તમામ પ્રોપર્ટીમાં ભાવવધારો નિશ્ચિત ગણવામાં આવે છે. સબ રજીસ્ટ્રાર કચેરીના એક અધિકારીએ કહ્યું કે શુક્રવારે નકકી થઈ ગયા હોય અને આજની એપોઈન્ટમેન્ટ લેવાઈ હોય તેમાં જુના જંત્રીદર જ લાગુ પડશે અને તેમાં કોઈ વિવાદને અવકાશ નથી.પરંતુ નવા દસ્તાવેજોમાં નવા જંત્રીદર લાગુ પડશે. ગ્રાહકો કે અન્ય કોઈને કોઈ પ્રશ્ન હોય તો તેના સંતોષકારક જવાબ આપવામાં આવી જ રહ્યા છે. આજથી અમલ થયો છે. જુની એપોઈન્ટમેન્ટમાં જુના દર હોવાથી તેમાં તમામ દસ્તાવેજ નોંધણી થવાનું સ્વાભાવીક છે. જંંત્રીદરમાં કરાયેલા તોતીંગ વધારા સામે ગ્રાહકોથી માંડીને બિલ્ડર લોબી સુધીના તમામ વર્ગોમાં સોંપો પડી ગયો છે અને આ વધારો હળવો કરવા કે સંપૂર્ણ પાછો ખેંચવા માંગણી ઉઠી છે ત્યારે આજે સવારે ક્રેડાઈના વડપણ હેઠળ બિલ્ડરોનુ એક પ્રતિનિધિમંડળ ભુપેન્દ્ર પટેલને મળ્યુ છે. સવારથી બેઠકોનો ધમધમાટ રહ્યો છે. બિલ્ડરો દ્વારા એકસામટો વધારો કરવાના બદલે તબકકાવાર જંત્રીદર વધારવાનુ સુચન કરવામાં આવ્યુ છે. જંત્રીદર વધારાના કારણે નવા પ્રોજેકટોથી માંડીને વિવિધ સ્તરે પડનારી અસરો અને રીઅલ એસ્ટેટની ગાડી પાટા પરથી ઉતરી જવાની આશંકા દર્શાવી હતી. આજથી નવો દર લાગુ પડયો હોવાથી તાત્કાલીક અસરે તેમા રાહત આપવાની માંગ ઉઠી છે. આ બેઠકના પરિણામ પર રાજયભરના બિલ્ડરો તથા રીઅલ એસ્ટેટ ક્ષેત્રની નજર મંડાયેલી છે.