1 જુલાઈથી આવકવેરાની નવી કલમ 194 લાગુ થવાની છે. જે હેઠળ કરદાતાનું વાર્ષિક ટર્નઓવર રૂ.10 કરોડથી વધુ હોય અને કોઈ એક જ વ્યક્તિ પાસેથી વર્ષ દરમિયાન 50 લાખથી વધુ ખરીદી કરી હશે અને ટીડીએસ વસૂલ નહીં કરાયો હોય તેવા કિસ્સામાં ખરીદનારે વેચનાર વેપારીને 0.1 ટકાના (રૂ.100 પર 10 પૈસાના) દરે ટીડીએસ કાપવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
નાણાં મંત્રીએ આ સાથે જ કલમ 206 (એબી)માં નવી જોગવાઈ કરી છે. આ જોગવાઈ હેઠળ જે વ્યક્તિ વ્યાજ, કમિશન, પ્રોફેશનલ ફી, કોન્ટ્રાક્ટની રકમ, રેન્ટની રકમ, રોયલ્ટીની રકમની ચૂકવણી કરતાં હોય અને જેને ચૂકવણી કરવામાં આવતી હોય તે વ્યક્તિએ અગાઉના વર્ષમાં રિટર્ન ન ભર્યું હોય તો તેવા કિસ્સામાં 1, 2, 5 કે 10 ટકા જેવા જુદા જુદા કિસ્સામાં લાગુ પડતા દરની જગ્યાએ 5 ટકા અથવા તો સામાન્ય દર કરતાં વધુ જે રકમ હોય તે દરથી કપાત કરવી પડશે. આ ઉપરાંત એક ટકાને બદલે પાંચ ટકા ટીડીએસની જોગવાઈ કરવામાં આવી છે. ટીડીએસમાં જે ફેરફાર કરવામાં આવ્યા તેવા જ ફેરફારો કલમ 206 (સીસીએ)ના કિસ્સામાં પણ એક ટકાને બદલે પાંચ ટકા ટીસીએસ કરવો પડે તેવી જોગવાઈ કરવામાં આવી છે. રિટર્ન ફાઈલ ન કરનારા કરદાતાના કેસમાં ટીસીએસ માટે પણ આ જોગવાઈ દાખલ કરવામાં આવી છે.
ટીડીએસ અને ટીસીએસની નવી જોગવાઈથી ખોટા ખર્ચ નાખનારા વેપારીઓ પકડાઈ જવાની સંભાવના વધી જશે. તેમની આકારણીની રકમ પણ વધી જવાની સંભાવના છે. કરવેરાની ચોરી કરવાનો પ્રયાસ કરનારાને અંકુશમાં લેવાનો આ કલમ મારફતે પ્રયાસ કરવામાં આવ્યો છે.
પહેલી જૂલાઇથી આવકવેરાની કલમમાં ફેરફાર
કરદાતાઓની બનાવટી એન્ટ્રી પકડાઇ જશે