ચેમ્પિયન્સ લીગ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં અગાઉ દરેક દેશની સ્થાનિક ટુર્નામેન્ટની મોખરાની બે ટીમોને આવરી લેતી ટુર્નામેન્ટ યોજાતી હતી જે છેલ્લે દસ વર્ષ અગાઉ યોજાઈ હતી. હવે આ ઈન્ટરનેશનલ ટી20 સ્પર્ધાનો ફરીથી પ્રારંભ કરવા માટે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડ વિચારણા કરી રહ્યા છે. છેલ્લે 2014માં ચેમ્પીયન્સ ટી20 લીગનું આયોજન ભારતમાં થયું હતું જેમાં ચેન્નાઈ સુપર કીંગ્સે બેંગ્લોર ખાતે રમાયેલી ફાઈનલમાં તેના જ દેશની એટલે કે ભારતની કોલકતા નાઈટ રાઈડર્સને હરાવીને ટાઈટલ જીત્યું હતું.
2009-10 થી 2014-15ના ગાળામાં ચેમ્પિયન્સ લીગની છ ટુર્નામેન્ટ રમાઈ હતી જેમાંની ચાર ઈવેન્ટ ભારતમાં આયોજીત થઈ હતી જયારે બે ટુર્નામેન્ટ સાઉથ આફ્રિકામાં રમાઈ હતી. ભારતની ચેન્નાઈ સુપરકીંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સે બે બે વાર તથા ઓસ્ટ્રેલિયાની ન્યુ સાઉથ વેલ્સ અને સિડની સિકસે એક એક વાર આ ટુર્નામેન્ટ જીતી હતી.
ઈન્ટરનેશનલ ક્રિકેટના ત્રણ માંધાતાઓ ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ આ મુદે વિચારણા કરી રહ્યા છે. જો કે તેમની સામે સૌથી મોટી સમસ્યા વ્યસ્ત ઈન્ટરનેશનલ ક્રિકેટ કેલેન્ડરની છે. આ સંજોગોમાં ચેમ્પીયન્સ લીગ માટે વિન્ડો શોધવી પણ આસાન નહીં રહે તેમ આ અંગેની મંત્રણા અંગે જાણકારી ધરાવતા વિકટોરિયા (ઓસ્ટ્રેલિયા) ક્રિકેટ એસોસીયેશનના સીઈઓ નિક કમિન્સે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ હતું કે મને લાગે છે કે ચેમ્પિયન્સ લીગની અગાઉની આવૃતિ તેના સમય કરતાં આગળ હતી. તે સમયે ટી20નું માળખું એટલું બધું વિશાળ ન હતું. જે હાલમાં છે.
હું જાણું છું કે ઓસ્ટ્રેલિયન બોર્ડ, ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ અને બીસીસીઆઈ વચ્ચે ચેમ્પિયન્સ લીગને પુનર્જિવીત કરવા અંગે વિચારણા ચાલી રહી છે. તેઓ હાલમાં આ લીગ માટેની વિન્ડોની શોધમાં છે. આ ગાળામાં આઈસીસીની પણ વિવિધ ટુર્નામેન્ટ યોજાતી રહે છે. બની શકે કે તે અગાઉ વિમેન્સ ચેમ્પિયન્સ લીગ જેવી ટુર્નામેન્ટ પણ યોજાય અને તેમાં ડબલ્યુપીએલ, ધ હન્ડ્રેડ અને ડબલ્યુબીબીએલ (ઓસ્ટ્રેલિયાની વિમેન્સ લીગ)ની ખેલાડીઓ ભાગ લે તેમ તેમણે ઉમેર્યું હતું.