આંતરરાષ્ટ્રીય સ્તરની ડાઉનસ્ટ્રીમ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ કંપની નયારા એનર્જીના સહયોગથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેક્ટ એક્સેલ હેઠળ ‘21મી સદીના કૌશલ્ય વિકાસ કાર્યક્રમ’ અંગે યુવાઓને તાલીમ આપવામાં આવી રહી છે, આવી તાલીમ પૂર્ણ કરનારા 110 વિદ્યાર્થીઓને ખંભાળિયામાં પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પ્રોજેક્ટ એક્સેલનું સમગ્ર માળખું નયારા એનર્જીએ યુનાઇટેડ નેશન્સ ડેવપલમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી)ની સાથે જોડાઈને તૈયાર કર્યું છે જેથી તે યુવાઓને વધુ ઉપયોગી અને મદદરૂપ બનશે. ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવું, રોજગારીની તકોમાં વધારો કરવો, સામૂહિકીકરણની સુવિધામાં વધારો કરવો, સરકારી યોજનાનો લાભ અપાવો, અધિકારો અંગે માર્ગદર્શન આપવું, ખેડૂત બજારના ઉપયોગનું જ્ઞાન આપવું વગેરે જરૂરી મુદ્દાઓને આવરી લઇ વિદ્યાર્થીઓને આ અંગે તાલીમ આપવામાં આવે છે. બાદમાં જોબ પ્લેસમેન્ટ માટે પણ મદદ કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ હેઠળ ખંભાળિયાના ઔદ્યોગિક તાલીમ કેન્દ્રમાં તાલીમ મેળવેલા 110 વિધાર્થીઓને નગર પાલિકાના ગાર્ડનમાં આવેલા યોગ કેન્દ્રમાં પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, ઔદ્યોગિક તાલીમ કેન્દ્રના આચાર્ય ચેતનભાઈ શાહ, ઉપાચાર્ય વિમલભાઈ નકુમ, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ફેલોશિપના ઉદયભાઈ પાનસુરીયા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
નયારા એનર્જીના ડાયરેક્ટર અને રિફાઇનરી હેડશ્રી પ્રસાદ પાનીકરે જણાવ્યું હતું કે “સતત વિકસિત થઇ રહેલા ઔદ્યોગિક ક્ષેત્રમાં આજના યુવાઓને જરૂરી માર્ગદર્શન અને તાલીમ મળી રહે એ માટે નયારા એનર્જી સ્કિલ ડેવલપમેન્ટ માટેના કાર્યક્રમો વિશેષજ્ઞની સહાયતા સાથે ચલાવી રહી છે, જેનો લાભ સ્થાનિકોને મળી રહ્યો છે”. પ્રોજેક્ટના બીજા તબક્કામાં પ્લેસમેન્ટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 90થી વધુ જગ્યાઓ માટે વિવિધ કંપનીઓએ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લીધા હતા. આ કાર્યક્રમમાં 50 વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. પ્રોજેક્ટ એક્સેલ ખંભાળિયાના ઔદ્યોગિક તાલીમ કેન્દ્રની સાથે સાથે જામનગરમાં પુરુષ અને મહિલા ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર તેમજ જામનગર અને દ્વારકા જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં પણ પ્રારંભ કરવામાં આવ્યો છે.