દેશભરમાં કોચિંગ કલાસને લઇને કેન્દ્ર સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. આ ગાઇડલાઇન અંતર્ગત કોચિંગ કલાસ ઉપર કડક નિયમો લાદવામાં આવ્યા છે. સરકારમાં આદેશ મુજબ કોઇપણ કોચિંગ કલાસમાં 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે નહીં.આદેશનો ભંગ કરનાર કોચિંગ કલાસ સંચાલકો સામે રૂપિયા 1 લાખ સુધીનો દંડ તેમજ તેનું રજીસ્ટ્રેશન રદ કરવા સુધીની જોગવાઇ કરવામાં આવી છે. કોચિંગ કલાસમાં અભ્યાસ કરતી વખતે વિદ્યાર્થીઓને કોઇ સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે કેન્દ્ર સરકારે કોચિગ કલાસ સંચાલકો પર લગામ કસી છે. કેન્દ્ર સરકારે આ અંગે નોટિફીકેશન જાહેર કરી નવી ગાઇડલાઇન અમલમાં મૂકી છે. દિલ્હીના મુખર્જી નગર, રાજસ્થાનનું કોટા, મધ્યપ્રદેશનું ઇન્દોર, કર્ણાકટનું બેંગ્લોર સહિતના શહેરોમાં મોટી સંખ્યામાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ કોચિગ માટે પહોંચે છે. જયાં બાળકોની ઉંમરની પરવા કર્યા વગર જ તેમને પ્રવેશ આપી દેવામાં આવે છે એટલું જ નહીં તેમની પાસેથી મનમાની ફી પણ વસુલવામાં આવે છે. આવી ઘટનાઓ સામે કેન્દ્ર સરકારે લગામ લગાવવાનો પ્રયાસ કર્યો છે. નવા નિયમ મુજબ 16 વર્ષથી ઓછી ઉંમરના છાત્રોને કોચિગ કલાસમાં પ્રવેશ આપી શકાશે નહીં. ઉપરાંત કોચિંગ કલાસના શિક્ષકો ઓછામાં ઓછા ગ્રેજયુએટ હોવા જરૂરી છે. તેમજ કોચિંગ કલાસ સચાલકો સારી રેન્ક કે સારા નંબરોની ગેરંટી આપી શકશે નહીં. તેમજ આ પ્રકારની ભ્રામક જાહેરાતો પણ કરી શકશે નહીં. દરેક કોચિંગ સેન્ટર પાસે પોતાની વેબસાઇટ હોવી જરૂરી છે. જેમાં શિક્ષકોની યોગ્યતા, અભ્યાસ ક્રમ, કોર્ષનો સમય, હોસ્ટેલ સુવિધા, ફી, પરત કરવાની નીતિ વિદ્યાર્થીઓની સંખ્યા વગેરે બાબતોનો ઉલ્લેખ કરવાનો રહેશે. વિદ્યાર્થીના શાળાના સમયે કોઇપણ કલાસીસ આયોજિત કરી શકાશે નહીં.
આ ઉપરાંત કોચિંગ સેન્ટર માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર અંગે પણ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. તેમજ રજાઓ અંગે પણ નિયમો બનાવવામાં આવ્યા છે. કોચિંગ કલાસના ટાઇમીંગ અંગે પણ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. જયારે એસસમેન્ટ ટેસ્ટના પરિણામો ગુપ્ત રાખવામાં આવશે. નિયમો અને આદેશોનો ભંગ કરનાર કોચિંગ કલાસને 1 લાખ રૂપિયાનો દંડ તેમજ રજીસ્ટ્રેશન રદ કરવા સુધીની જોગવાઇ આ નવી ગાઇડલાઇનમાં કરવામાં આવી છે.