સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલ ‘સુશાસનના પાંચ વર્ષ’ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત જામનગર જિલ્લામાં પણ તા.1 થી 9 ઓગસ્ટ સુધીના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનુ આયોજન હાથ ધરાયુ છે.
જે અંતર્ગત જામનગર જિલ્લામા કાર્યક્રમના ચોથા દિવસે એટલે કે તા.04 ના રોજ ‘નારી ગૌરવ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નારી ગૌરવ દિવસનો મુખ્ય કાર્યક્રમ અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ટાઉન હોલ, જામનગર ખાતે યોજાયો હતો તેમજ જામનગર જિલ્લાના વિવિધ 10 સ્થળોએ પણ સવારે 10:00 કલાકે આ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો.
જે કાર્યક્રમ અંતર્ગત માહિલાઓને જિલ્લાના વિવિધ સ્થળો પરથી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ લાભો અપાયા હતાં તેમજ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોના સખી મંડળોને વિવિધ લાભો એનાયત કરાયા હતા. કાર્યક્રમ અંતર્ગત બહેનોને બેન્ક ધિરાણ ચુકવવામાં આવ્યું હતું તેમજ વ્હાલી દીકરી યોજના તથા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સિવાય જિલ્લાના વિવિધ 10 સ્થળોએ આંગણવાડીના નવીન મકાનોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે યોજાનારા વર્ચ્યુઅલ કાર્યક્રમનું પણ ઉપરોક્ત તમામ સ્થળોએથી જીવંત પ્રસારણ કરાયું હતું.
આ તકે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જામનગરના મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તપન પરમાર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનિષભાઈ કટારિયા, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, કલેકટર ડો. સૌરભ પારઘી, પૂર્વ શહેર ભાજપા પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, શહેર ભાજપા મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા સહિતના ભાજપાના હોદ્દેદારો તેમજ કોર્પોરેટરો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.