શહેરના ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે જિલ્લા રમત-ગમત કચેરી જામનગર તથા જિલ્લા વહિવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય યુવા દિન-૨૦૨૨ ની ઉજવણી કરવામાં આવી હતી. જે કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુલી જોડાયા હતા તેમજ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ કાર્યક્રમના અધ્યક્ષ પદે ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત યુવાઓને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
આ તકે સાંસદએ જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદે સમગ્ર વિશ્વમાં ભારતની યુવા શક્તિને ઉજાગર કરી હતી અને આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ વિવેકાનંદજીની રાહ પર આગળ વધી ભારતની યુવા શક્તિને વિશ્વ સમક્ષ રજૂ કરી દેશનું ગૌરવ વધારી રહ્યા છે. ભારતની સાંસ્કૃતિક ધરોહર અને યુવા શક્તિના કારણે આવતા દિવસોમાં ભારતને મહાસત્તા બનતા કોઇ રોકી શકશે નહીં તેવો વિશ્વાસ વક્ત કરતા સાંસદએ ઉમેર્યુ હતુ કે સરકાર પણ યુવાશક્તિને મદદરૂપ થવા કટિબદ્ધ છે મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ-અપ અને સ્ટેન્ડ-અપ જેવા અનેક પ્લેટ ફોર્મ યુવાઓ માટે સરકારે તૈયાર કર્યા છે. સાંસદએ આ તકે યુવાનોને જાગૃત બની આ તમામ યોજનાઓનો લાભ લઇ દેશના વિકાસમાં સહભાગી થવા, વિવિધ ક્ષેત્રોમાં જોડાઈ સ્વ વિકસિત થવા, ટેકનોલોજીનો ઉપયોગ એનર્જીમાં પરાવર્તિત કરવા તેમજ વ્યસનથી દૂર રહેવા સૂચન કર્યું હતું.
કાર્યક્રમમાં યુવા કલાકારો દ્વારા પરંપરાગત લોક નૃત્યો, સ્વામી વિવેકાનંદજીના જીવન-કવન પર વક્તવ્ય તેમજ યુવા ઉત્સવની વિજેતા થયેલ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી, અધિક કલેક્ટર મિતેશ પંડ્યા, સાંસ્કૃતિક સેલના કન્વીનર હર્ષાબા જાડેજા, નહેરુ યુવા કેન્દ્રના યુવા વિકાસ અધિકારી શિખર રસ્તોગી, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા સહિતના મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં શહેરના યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.