જામનગરમાં મહિલાઓ દ્વારા એવરત-જીવરત વ્રત કરવામાં આવ્યું હતું. શહેરમાં ચાંદીબજારમાં આવેલ વાઘેશ્ર્વરી માતાજીના મંદિર તેમજ કલ્યાણજીના ચોકમાં આવેલ કલ્યાણજી મંદિરે મહિલાઓ દ્વારા વ્રતની પૂજા કરવામાં આવી હતી. જામનગર શહેરમાં ભોય જ્ઞાતિ સમસ્ત દ્વારા વર્ષોની પ્રણાલિકા અનુસાર જયા પાર્વતીના વ્રત અને એવરતમાં જીવરતમાં ના વ્રતના જાગરણ સમયે બહેનો દ્વારા રાત્રીભર રાસની રમઝટ બોલાવી અનોખી પરંપરા જાળવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે વ્રત ધારી બહેનો દ્વારા રાસની રમઝટ બોલાવી જાગરણ કર્યું હતું, જેમાં ભાઈઓ પણ સહભાગી બન્યા હતા.
હાલ ગુજરાત સહિત સમગ્ર ભારત ભરમાં કોરોના ની ગતિ મંદ પડી છે, અને સરકાર દ્વારા ધાર્મિક,સામાજિક, રાજકીય કાર્યક્રમો માટે સંપૂર્ણ છૂટછાટ આપવામાં આવી છે, જેને લઇ ભોઈ સમાજ જામનગર ની મહિલાઓ ઉત્સાહભેર જાગરણના પારંપરિક રાસ ગરબામાં જોડાઈ હતી.
જામનગરમાં ભોઈ જ્ઞાતિ જામનગર દ્વારા જયા પાર્વતી અને એવરતમાં અને જીવરતમાં ના વ્રત રહેતી મહિલાઓને રાત્રી તેમજ દિવસના જાગરણ માટે ભોઇસમાજ જામનગર દ્વારા અનોખું પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવે છે. જેમાં સમાજની મહિલાઓ આખી રાત રાસ ગરબા ગાઈને રાસ રમે છે, અને રમાડે છે. જેમાં સમાજના યુવાનો ઢોલ નગારાં વગાડીને મહિલાઓની રંગત માં તાલ પુરાવે છે.
સમાજના પ્રમુખ નરેશભાઈ મહેતા તેમજ ઉપપ્રમુખ સંજયભાઈ દાઉદીયાના માર્ગદર્શન હેઠળ અને મંત્રી રૂપેશભાઈ વારાના સાથે સમગ્ર કારોબારી સભ્યોની ટીમ આ માટે જહેમત ઉઠાવી હતી.