જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં આજરોજ મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદ-ઉલ ફિત્ર રમઝાન ઇદની ઉજવણી કરી હતી. એક માસ સુધી રોઝા રાખી અલ્લાહની ઇબાદત કર્યા બાદ આજે મુસ્લિમ બિરાદરોએ હર્ષોલ્લાસ સાથે રમઝાન ઇદની ઉજવણી કરી હતી. કોરોનાકાળના બે વર્ષ દરમિયાન તહેવારોની ઉજવણી થઇ શકી ન હોય, મુસ્લિમ બિરાદરો દ્વારા પણ ઇદની બે વર્ષ સુધી સાદગીપૂર્વક ઉજવણી કરી હતી. આ વર્ષે કોરોનાના કેસો વધતા સરકાર દ્વારા તહેવારોની ઉજવણી માટે છુટછાટ આપવામાં આવી છે. ત્યારે આજરોજ મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદની ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, પૂર્વ વિરોધપક્ષ નેતા અને કોર્પોરેટર અલ્તાફ ખફી સહિતના મુસ્લિમ અગ્રણીઓ દ્વારા રમઝાન ઇદની મુસ્લિમ બિરાદરોને ઇદ-ઉલ ફિત્રની મુબારકબાદી પાઠવી હતી.તેમજ જામનગરની બેડી ઇદગાહ મસ્જિદ ખાતે જુમ્મા મસ્જિદના નાયબ ઇમામ મૌલાના સિદીક બરખાતીએ ઇદની નમાઝ પઢાવી હતી. બે વર્ષ બાદ સામુહિક નમાઝ તેમજ ઇદની ઉજવણીને લઇ મુસ્લિમ બિરાદરોમાં અનેરો ઉત્સાહ છવાયો હતો. વોર્ડ નં. 1ના કોર્પોરેટર નુરમામદ પલેજા અને આગેવાનોએ પણ મુસ્લિમ બિરાદરોને ઇદની શુભેચ્છા પાઠવી હતી.