જામનગર શહેરના હવાઈ ચોક વિસ્તારમાં દિવાળીના તહેવાર દરમિયાન કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દ્વારા નોંધાવાયેલી ફરિયાદના આધારે પોલીસે ભાજપાના કોર્પોરેટર સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ તપાસ આરંભી હતી. જોકે, આ ઘટનામાં સીસીટીવી ફુટેજમાં કોંગે્રસના પૂર્વ કોર્પોરેટર દ્વારા ભાજપાના કોર્પોરેટરના સાળાને અપશબ્દો બોલી ધમકી આપી હોવાનું જણાઇ રહ્યું છે.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટમાં રહેતાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ધિરેશભાઈ ગીરધરલાલ કનખરા દ્વારા ભાજપાના કોર્પોરેટર કેતનભાઈ નાખવા સહિતના ત્રણ વ્યક્તિઓ વિરૂધ્ધ મારામારીની ફરિયાદ પાછી લેવા ફડાકા મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં પોલીસે ધિરેશભાઈની ફરિયાદના આધારે તપાસ આરંભી હતી. પરંતુ, આ ઘટનામાં બહાર આવેલા સીસીટીવી કેમેરામાં પરિસ્થિતિ કંઈક અલગ હોવાનું દેખાઈ રહ્યું છે. જેમાં દિવાળીની રાત્રિના સમયે ધિરેશ કનખરાએ હવાઈ ચોક વિસ્તારમાં આવેલા કિશોર રસના માલિક વિમલભાઈ કે જે ભાજપાના કોર્પોરેટર અને દંડક કેતન નાખવાના સાળા થતા હોય તેમને ગાળો કાઢી ધમકી આપી હતી. ઉપરાંત કેતન નાખવાના પત્નીને પણ અપશબ્દો કહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. ત્યારબાદ આ સમગ્ર મામલે સમાધાન ન થવાથી ધિરેશ કનખરા એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.