ધ્રોલ ગામમાં આવેલી દુકાન પાસે ડૂંગળીના ફોતરાં નાંખવા બાબતે સમજાવવા ગયેલા યુવાન અને તેના પરિવારજનો ઉપર ચાર શખ્સોએ એકસંપ કરી છરી વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ ધ્રોલ ગામમાં રઝવી સોસાયટીમાં રહેતા અને પી. પી. કોમ્પલેક્ષમાં દુકાન ધરાવતા ઇમરાનભાઇ ઇકબાલભાઇ વાગડિયા નામના વેપારી યુવાનની દુકાન પાસે આબિદશાની માતાએ ડૂંગળીના ફોતરાં નાખ્યા હતા. જે બાબતે ઈમરાનને સમાધાનની વાતચીત કરવા માટે બોલાવ્યો હતો. તે દરમ્યાન આબિદશા હબીબશા શાહમદાર, નઝીરશા અકબરશા શાહમદાર, અલીઅસગર હુસેન મતવા અને આસિફશા અશરફશા શાહમદાર નામના ચાર શખ્સોએ એકસંપ કરી સમાધાનની વાતચીત દરમ્યાન ઉશ્કેરાઇને ઈમરાન તથા તેના ભાઇ બિલાલ અને દાનિશ નામના ત્રણ ભાઇઓને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ છરી બતાવી પતાવી દેવાની ધમકી આપી હતી અને ઝપાઝપી કરતાં આબિદને છરીનો ઘા લાગી ગયો હતો. તેમજ ચાર શખ્સોએ ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજા પહોંચાડી હતી અને પતાવી દેવાની ધમકી આપી હતી. ચાર શખ્સો દ્વારા કરાયેલા હુમલામાં ત્રણ ભાઇઓને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
હુમલાના બનાવમાં ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે હે.કો. એચ. જે. જાડેજા તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂઘ્ધ હુમલો કરી ધમકી આપ્યાનો ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


