કચ્છ જિલ્લાના મુદ્રા તાલુકાના પત્રી ગ્રામ્ય પંચાયતના તલાટી કમમંત્રીને એસીબીએ રૂા. 1500ની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ અંગેની વિગત મુજબ કચ્છ જિલ્લાના મુદ્રા તાલુકાની પત્રી ગ્રામ્ય પંચાયતની કચેરીમાં તલાટી કમમંત્રી તરીકે ફરજ બજાવતાં મિતલબેન ભગવતીપ્રસાદ રાવલને એસીબીએ રૂા. 1500ની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધા હતા. આ કામનો ફરિયાદની પત્નીના નામે રાષ્ટ્રિય પછાતવર્ગ નાણાં અને વિકાસ નિગમ નવીદિલ્હી અને રાજય સરકાર દ્વારા અમલીત, સીધા ધિરાણ સ્મોલ બિઝનેસ યોજના હેઠળ ગોપાલક વિકાસ નિગમ ગાંધીનગર ખાતેથી રૂા. ર લાખની લોન મંજુર થઇ હતી. જે લોનના જામીનદારના મકાનના આકારણી પત્રકમાં સહી સિકકા સાથે પ્રમાણપત્ર મેળવવા માટે આરોપી તલાટી કમમંત્રીએ રૂા. 1500ની લાંચની માંગણી કરી હતી.
જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરી હતી. જેના આધારે ભૂજ કચ્છ એસીબીના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના માર્ગદર્શન હેઠળ કચ્છ એસીબીના પી કે પટેલ તથા સ્ટાફે છટકું ગોઠવીને પત્રી ગ્રામ પંચાયત ખાતેથી મિતલબેન ભગવતીપ્રસાદ રાવલ નામના તલાટીમંત્રીને રૂા. 1500ની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધા હતા.