જામનગર શહેરમાં જૂના રેલવે સ્ટેશન પાસે રહેતા અને મજૂરીકામ કરતાં યુવાનને રાજકોટ ક્રાઇમ બ્રાંચના કર્મચારી તરીકે ઓળખ આપી ત્રણ શખ્સોએ દારૂનો ધંધો કરો છો. તેમ કહી રૂા. 20 હજાર પડાવી ગયાના બનાવમાં એક પત્રકાર સહિત ત્રણ શખ્સ વિરૂઘ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
તોડકાંડના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં જૂના રેલવે સ્ટેશન પાસે વેલનગર શેરી નંબર એકમાં રહેતા હર્ષ જીજ્ઞેશભાઇ રાઠોડ (ઉ.વ.21) નામના મજૂરીકામ કરતો યુવાન ગત્ તા. 31ના રોજ બપોરના અઢી વાગ્યાના અરસામાં તેના ઘરે હતો ત્યારે પૂર્વ આયોજિત કાવતરું રચી રાજકોટ ક્રાઇમ બ્રાંચ પોલીસ તરીકે ઓળખ આપનાર બે અજાણ્યા અને એક ત્રિલોક ન્યૂઝના પત્રકારએ જીજે27-એ-0912 નંબરની સ્વીફટ કારમાં આવીને હર્ષ તથા તેના પિતા સહિતનાઓ દારૂનો ધંધો કરતા હોવાનું જણાવી વિડીયો રેકોર્ડ કરી અને આ દારૂના મોટા જથ્થાનો કેસ કરી દેવાની ધમકી આપી યુવક પાસેથી બળજબરીપૂર્વક રૂા. 20 હજાર પડાવી લીધા હતા અને અન્ય શખ્સો પાસેથી પૈસાની માંગણી કરી સેટલમેન્ટ કરવાનું કહી પલાયન થઇ ગયા હતાં.
ત્યારબાદ આ બનાવ અંગેની હર્ષ દ્વારા જાણ કરાતાં એએસઆઇ ડી. જી. રાજ તથા સ્ટાફએ રાજકોટ ક્રાઇમ બ્રાંચ પોલીસની ઓળખ આપનાર બે શખ્સ અને એક પત્રકાર સહિત ત્રણ શખ્સ વિરૂઘ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.


