જોડિયા તાલુકાના કોઠારીયા ગામથી આમરણ તરફ જવાના માર્ગ પર આવેલા ભાથીજી મહારાજના મંદિરમાં મુખ્ય દરવાજાના તાળા તોડી મંદિરમાં રાખેલી ચાંદીના નાગની નાની મોટી મૂર્તિઓ અને રોકડ સહિત રૂા.96,000 ની માલમતા ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં તસ્કરોનો રંજાડ સતત વધી રહ્યો છે. પોલીસના ભય વગર તસ્કરો એક પછી એક ચોરીને અંજામ આપી રહ્યા છે. શહેર અને જિલ્લામાં ઠેક ઠેકાણે ચોરીના બનાવોએ જામનગરવાસીઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. ત્યારે જોડિયા તાલુકાના કોઠારીયા ગામથી આમરણ તરફ જવાના કાચા માર્ગ પર આવેલા ભાથીજી મહારાજ મંદિરમાં ગત તા.15 ના સાંજના 7 વાગ્યાથી તા.16 ના સવારે 6:30 વાગ્યાના સમય દરમિયાન અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતાં અને તસ્કરોએ મંદિરના મુખ્ય દરવાજાના તાળા તોડી ચાંદીના નાગની નાની મોટી પાંચ મૂર્તિઓ રૂા.91,013 ની કિંમતના આભૂષણો તથા મંદિરમાં રાખેલી દાનપેટીમાં તાળા તોડી તેમાં રહેલી રૂા.5000 ની રોકડ રકમ સહિત કુલ રૂા.96,013 ની કિંમતની માલમતા ચોરી કરી ગયા હતાં. ચોરીના બનાવ અંગેની જાણ પૂજારી ધર્મેન્દ્રભાઇ રેસિયા દ્વારા જાણ કરાતા પીએસઆઈ ડી.એલ.ઝાલા અને સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.