ગુજરાતમાં કોરોનાની પહેલી લહેર દરમિયાન અનેક પરપ્રાંતીય અને શ્રમિકો પોતાના વતન જઈ રહ્યા હતા. અને લોકડાઉનમાં લાગુ કરવામાં આવેલ નિયમોના ઉલ્લંઘન બદલ પોલીસ દ્રારા કાર્યવાહી કરવામાં આવી હતી. તેવામાં રૂપાણી સરકાર દ્રારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં પરપ્રાંતીય પર થયેલા કેસ પરત ખેંચવામાં આવશે.
કોરોનાના પ્રારંભે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવેલ લોકડાઉન સમયે હજારોની સંખ્યામાં શ્રમિકો વતન જવા માટે નીકળી પડ્યા હતા. તેવામાં દર્દનાક દ્રશ્યો વચ્ચે લોકડાઉનમાં લાગુ કરવામાં આવેલ નિયમોના ઉલ્લંઘન બદલ પોલીસ દ્રારા કાર્યવાહી કરવામાં આવી હતી. ગુજરાતમાં શ્રમિકો સામે 725 જેટલા કેસ નોંધવામાં આવ્યા હતા. જે પૈકી 200 ગુન્હાઓનો કોર્ટમાં નિકાલ થઇ ગયો છે અને હજુ 525 જેટલા કેસ પેન્ડીંગ છે. પરંતુ સરકાર દ્રારા આ પેન્ડીંગ કેસ પરત ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે. પરિણામે હવે શ્રમિકોએ કોર્ટના ધક્કા ખાવા નહી પડે.