જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રમતી બે વર્ષની બાળકીને ઈનોવા કારે ઠોકર મારી હડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ચાલક કાર મુકી નાશી ગયો હતો.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર આવેલી વૃંદાવન સોસાયટી શેરી નં.6 મા રહેતા વંદનાબેન હંસરાજભાઈ મકવાણા નામના મહિલાની બે વર્ષની પુત્રી સાક્ષી રવિવારે સવારના સમયે તેના ઘર નજીક આવેલા શંકરના મંદિર પાસે રમતી હતી તે દરમિયાન પૂરઝડપે બેફીકરાઈથી આવતી જીજે-10-ટીવી-5213 નંબરની ઈનોવા કારના ચાલકે ઠોકર મારી હડફેટે લેતા બાળકીને માથામાં અને કાનમાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ પ્રાણપ્રંખેરુ ઉડી ગયું હતું. અકસ્માતમાં બાળકીનું મોત નિપજતા ચાલક ગૌતમ રાજ્યગુરૂ કાર મુકીને નાશી ગયો હતો. બનાવ અંગેની જાણના આધારે પીએસઆઈ વી.એ. પરમાર તથા સ્ટાફે કાર કબ્જે કરી ચાલકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.