જામનગર શહેરમાં લાલવાડી નજીક ગુજરાત વન વિભાગ તથા જામનગર મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે મીયાવાકી પદ્ધતિથી ત્ કરવામાં આવેલ વનકવચનું ગઈકાલે કેબિનેટ મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
વર્ષ 2023-24 માં જામનગર શહેરમાં જામનગર-કાલાવડ રોડ પર આવેલ જાડા ટીપી સ્કીમ નંબર-84 માં ગુજરાત વન વિભાગ તથા જામનગર મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે મીયાવાકી પદ્ધતિથી વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં સાત સ્તરમાં કોકપીટ, માટી, ઘઉંની ફોતરી, માટી, ઘાસ, બાજરીના પુડાનું સ્તર બનાવી વિવિધ રોપાઓનું વાવેતર કરાયું છે. કુલ 38 જાતના 10 હજાર રોપાઓનું વાવેતર કરાયું છે. ગઈકાલે જામનગર શહેરમાં લાલવાડી કૌશલનગર નજીક સીલ્વર સ્કાય રોડ પર વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વનકવનમાં મીયાવાકી પદ્ધતિ દ્વારા તૈયાર કરાયેલા આ વનની વૃધ્ધિ ખૂબ જ ઝડપથી થઇ 20 માસના ટૂંકાગાળામાં લગભગ 10થી 15 ફુટ જેટલી વૃક્ષોની ઉંચાઈ થઈ છે. વન કવચમાં નાના બાળકોને રમવા માટે બાળ ક્રિડાંગણ, મુલાકાતીઓને વનમાં વિહાર કરવા માટે પાથવે, આરામ કરવા માટે વન કુટિર તથા સેલ્ફી પોઇન્ટ સહિતનું નિર્માણ કરાયું છે.
વન કવચના આ લોકાર્પણમાં રાજ્યના કેબિનેટમંત્રી મુળુભાઈ બેરા, જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજા, જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, જામ્યુકો કમિશનર ડી.એન. મોદી, કોર્પોરેટર ગોપાલભાઈ સોરઠીયા, સરોજબેન વિરાણી, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોષી, જામનગર શહેર ભાજપા પ્રમુખ બીનાબેન કોઠારી, રાજકોટ સામાજિક વનીકરણ વર્તુળના વન સંરક્ષક ડો. રામ રતન નાલા, જામ્યુકોના દંડક કેતનભાઇ નાખવા, પૂર્વ જિલ્લા ભાજપા પ્રમુખ રમેશભાઈ મુંગરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.


