દર વર્ષે વિશ્વમાં તા. 7 એપ્રિલના રોજ ‘વર્લ્ડ હેલ્થ ડે’ એટલે કે ‘વિશ્ર્વ આરોગ્ય દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વના લોકોના સ્વાસ્થ્ય, સલામતી અને હિતની જાળવણી માટે આ દિવસે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. આ જ દિવસે વર્ષ 1948 માં આંતરરાષ્ટ્રીય સ્તરની સુપ્રસિદ્ધ સંસ્થા ’વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’ એટલે કે W.H.O.ની સ્થાપના કરવામાં આવી હતી. આ વર્ષની થીમ છે ’હેલ્થ ફોર ઓલ’ -એટલે કે ’બધા માટે સ્વાસ્થ્યની જાળવણી…’
આ વર્ષે W.H.O.જાહેર આરોગ્ય અને સલામતીની જાળવણીના 75 વર્ષ પૂર્ણ કરશે. જામનગરની સુપ્રસિદ્ધ ગુરુ ગોબિંદસિંહ હોસ્પિટલને ’વલ્ર્ડ હેલ્થ ડે સેલિબ્રેશન’ ના ભાગરૂપે નયારા એનર્જી અને જામનગરના ભૂતપૂર્વ કલેકટર રવિશંકરના પ્રયાસોથી હોસ્પિટલના તમામ 22 વિભાગોના વડાઓને તેમના વિભાગ માટે લેપટોપ અર્પણ કર્યા હતા. અત્રે હોસ્પિટલમાં ઠેર- ઠેરથી વિવિધ રોગોની સારવાર માટે દર્દીઓ આવતા હોય છે. આ દર્દીઓની સારવાર વધુ સારી રીતે થઈ શકે, તેમને મદદરૂપ થઈ શકાય અને ટેલિમેડીસીન માટે મદદ મળી રહે તે માટે લેપટોપથી ઘણી મદદ મળી રહેશે.
ટેલિમેડીસીન એ આધુનિક મેડિકલ સાયન્સની દેન છે. જે પદ્ધતિમાં દર્દી અને તેમના આરોગ્ય, સંભાળ અને કાઉન્સેલિંગ માટે દૂર બેઠા- બેઠા પણ તેઓ ડોક્ટરનું માર્ગદર્શન મેળવી શકે છે. આજકાલ સમયના ભાવના કારણે દરેક વ્યક્તિ હોસ્પિટલમાં એપોઈન્ટમેન્ટ માટે પહોંચી શકતા નથી. ત્યારે વિડિયો કોન્ફરન્સ અથવા ફોન કોલ દ્વારા એપોઈન્ટમેન્ટ અને કાઉન્સેલિંગ મેળવી શકે છે. આ સુવિધાથી દર્દી અને ડોક્ટર બંનેનો સમય અને નાણાં બચે છે. તેમજ દર્દીઓને ગંભીર પરિસ્થિતિમાં તાત્કાલિક સારવાર ઉપલબ્ધ બને છે.