ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પૂર્વેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે તે જ સમયે ચૂંટણી પંચે તા. 3 નવેમ્બરના દેશના છ રાજ્યોની સાત વિધાનસભા પેટાચૂંંટણીનો કાર્યક્રમ જાહેર કરતા હવે આ બેઠકો પરની ચૂંટણી બાદ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં પણ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ શકે છે. સામાન્ય રીતે રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓની સાથે જ દેશમાં ધારાસભા અને લોકસભાની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીઓ યોજવાની પરંપરા છે અને ચૂંટણી પંચ જો નજીક નજીકના સમયમાં જો શક્ય હોય.
તો એક જ શેડ્યુલ ગોઠવે છે પરંતુ દેશના છ રાજ્યોની સાત વિધાનસભા બેઠકો જેમાં બિહારની 2, મહારાષ્ટ્ર, ઉતરપ્રદેશ, હરિયાણા, તેલંગાણા અને ઓડિસાની 1-1 બેઠકો પર તા. 3 નવેમ્બરના મતદાન યોજાશે જેનું જાહેરનામું તા. 7 ઓક્ટોબરના બહાર પડનાર છે અને ઉમેદવારી સહિતની પ્રક્રિયા બાદ તા. 3 નવેમ્બરના મતદાન થશે. તા. 6 નવેમ્બરના મતગણતરી યોજાશે અને સમગ્ર પ્રક્રિયા 8 નવેમ્બરના પૂરી થશે. બીજી તરફ ગુજરાત અને હિમાચલની વિધાનસભા ચૂંટણી પૂર્વે ચૂંટણી પંચે આ મીની કાર્યક્રમ જાહેર કર્યો તે પણ આશ્ચર્ય છે. ગુજરાતમાં નવેમ્બરના અંતમાં ચૂંટણી યોજાશે તેવા સંકેત છે અને હાલમાં જ મુખ્ય ચૂંટણી કમિશનર સહિતનું ચૂંટણી પંચ ગુજરાતમાં આવ્યું હતું અને પ્રાથમિક રીતે ચૂંટણીઓ તૈયારીઓની સમિક્ષા કરી ગઇ. રાજ્યમાં તા. 10 ઓક્ટોબરના મતદાર યાદીની અંતિમ પ્રસિધ્ધ થનાર છે અને તેથી પેટાચૂંટણીના શેડ્યુલ સાથે ગુજરાતની ચૂંટણીઓ યોજાશે નહીં તે નિશ્ચિત છે. પરંતુ આ પેટાચૂંટણીના કાર્યક્રમ બાદ હવે ચૂંટણી ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીનો કાર્યક્રમ પણ ટૂંક સમયમાં જાહેર કરે તેવી શક્યતા છે.
ચૂંટણી પંચે જે પેટાચૂંટણી કાર્યક્રમ જાહેરકર્યો છે તેમાં બિહારની બે બેઠકો છે જેમાં એક ભાજપના નેતા સુભાષસિંહના નિધનથી ખાલી થઇ છે જ્યારે બીજી બેઠકમાં મોકામા બેઠકના રાજદના ધારાસભ્ય અનંતસિંહ ઘરમાં એકે-47 રાખવાના આરોપમાં દોષી બનતા તેઓ ધારાસભ્યપદેથી ગેરલાયક ઠર્યા છે. ઉતરપ્રદેશમાં લખીમપુર ખીરીની ગોલા ગોકર્ણ બેઠકના ધારાસભ્યના નિધનથી ખાલી થઇ છે. હરિયાણામાં આદમપુર બેઠક કોંગ્રેસના નેતા કુલદીપ બિશ્નોઇના રાજીનામાથી ખાલી થઇ છે જે હવે ભાજપના બેનર હેઠળ આ બેઠક લડશે. મહારાષ્ટ્રમાં અંધેરી-ઇસ્ટ વિધાનસભામાં શિવસેનાના રમેશ લટકેના નિધનથી સીટ ખાલી થઇ છે.