જામનગર શહેરમાં રહેતો વેપારી યુવાન તેના એકટીવા પર બપોરના સમયે નવા નાગના જતો હતો ત્યારે એક યુવતી સહિતના ચાર શખ્સોએ યુવાનને વ્હોરાના હજીરા પહેલાના પુલ પાસે આંતરી અમારી બાઈક સાથે કેમ ભટકાડયું ? તેમ કહી 1500 ની રોકડ રકમની લૂંટ ચલાવી પલાયન થઈ ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

લૂંટના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર ધનઅપૂર્વ ટાઉનશીપમાં રહેતા કિરણભાઈ સુરેશભાઈ ઝાલા નામના વેપારી યુવાન ગત તા.9 ના રોજ બપોરના સમયે તેના જીજે-10-સીએસ-9267 ઉપર નવાનાગના ગામમાં જતા હતાં ત્યારે રસ્તામાં સ્મશાન ચોકડીથી આગળ વ્હોરાના હજીરાના પુલ પાસે પહોંચ્યો ત્યારે રાજવીર મકવાણા અને બે અજાણ્યા તથા એક યુવતી સહિતના ચાર શખ્સોએ યુવાનને આંતરીને તે અમારા બાઈક સાથે કેમ ભટકાડયું ? તેમ કહી ગાળાગાળી કરી હતી અને યુવાનના શર્ટના ખીસ્સામાં રહેલી રૂા.1500 ની રોકડ રકમની લૂંટ ચલાવી ગાળાગાળી કરી પલાયન થઈ ગયા હતાં. ત્યારબાદ આ અંગેની જાણ કરાતા પીએસઆઇ ડી જી. રાજ તથા સ્ટાફે યુવતી સહિતના ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.