જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતાં વેપારી યુવાનને જુદી જુદી સ્કીમોમાં રોકાણ કરાવી ઉંચો નફો આપવાની લાલચ આપી બે શખ્સો દ્વારા રૂા. 1,87,44,407ની રકમ પડાવી લઇ છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ છેતરપિંડીના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના ઠેબા ગામમાં રામાપીરના મંદિર સામે રહેતાં કૌશિકભાઇ જયસુખભાઇ અગ્રાવત (ઉ.વ.31) નામના વેપારી યુવાન સાથે વોટ્સએપ નંબર +1 85928 75228 ધારકે વેપારી સાથે સંપર્ક કરી વિશ્ર્વાસમાં લઇ પૂર્વઆયોજિત કાવતરું રચી વેપારીને ટ્રેડિંગ એડવાઈઝર તરીકે ઓળખ આપી પોતાની કંપની મારફતે જુદી જુદી સ્કીમોમાં રોકાણ કરી મોટો નફો આપવાની મધલાળ બતાવી વેપારી પાસેથી કટકે કટકે કુલ રૂા. 1,87,44,407ની રકમ ડીવાઇન એન્ટરપ્રાઇઝ નામની ટ્રેડિંગ પેઢીના બેન્ક ઓફ મહારાષ્ટ્રના 60505691032 ખાતા નંબરમાં રકમ ટ્રાન્સફર કરાવી https:\\metaxoppion.com વાળી વેબસાઇટ પર બોગસ પ્રોફિટ બતાવ્યો હતો. ત્યારબાદ વેપારીને તેને રોકેલા નાણા તથા નફો બેમાંથી એકપણ રકમ પરત કરી ન હતી. વેપારી દ્વારા અવારનવાર રકમની માંગણી કરવામાં આવી હતી. તેમ છતાં રકમ પરત ન કરતાં વેપારીએ આખરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઇ આઇ. એ. ધાસુરા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.


