અમદાવાદમાં જન્મેલા અને ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ આજે ગોવામાં ટીવી પ્રેજેન્ટર સંજના ગણેશન સાથે લગ્નના બંધનમાં બંધાયો છે. બુમરાહ અને સંજનાએ તેમના સંબંધીઓ અને નજીકના મિત્રોની હાજરી વચ્ચે એક ખાનગી ફંક્શનમાં લગ્ન કર્યા છે. લગ્ન બાદ બુમરાહે સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી છે.
હાલમાં જ બુમરાહે ચોથી ટેસ્ટમાં ન રમવાનો નિર્ણય લીધો હતો. તેને T-20 શ્રેણીમાં પણ આરામ આપવામાં આવ્યો છે. બુમરાહને લગ્ન માટે વધુ સમય જોઈતો હતો એ કારણથી તેણે અંતિમ ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ પરત લેવા કહ્યું હતું. હવે લગ્ન બાદ બુમરાહ સીધો IPL 2021માં જ ક્રિકેટના મેદાન પર પરત ફરશે. કોરોનાની ગાઈડલાઈનના કારણે બુમરાહના પરિવારના અમુક લોકો જ આ લગ્નમાં હારજ રહી શક્યા છે. ટીમ ઈન્ડિયાના સભ્યો પણ ઈંગ્લેન્ડ સામેની ચાલુ સીરિઝ અને પ્રતિબંધોના કારણે લગ્નમાં હાજરી આપી શક્યા નથી.
28 વર્ષીય સંજના ગણેશન ક્રિકેટ એન્કર છે. તે કેટલાક સમયથી ઘણી ટૂર્નામેન્ટ્સનો ભાગ બની રહી છે. આઈપીએલમાં સક્રિય રહેવા ઉપરાંત તે સ્ટાર સ્પોર્ટ્સ સાથે પણ સંકળાયેલી છે. ઉપરાંત સંજના કોલકાતા નાઈટ રાઇડર્સની એન્કર રહી ચૂકી છે. સંજનાએ 2012માં સિમ્બાયોસિસ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીમાં બીટેક કર્યું છે. ગ્રેજ્યુએશન પછી એક વર્ષ સુધી સંજનાએ સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કર્યું છે. તે 2014માં મિસ ઈન્ડિયા ફાઈનલિસ્ટ રહી ચૂકી છે. સંજનાએ એમટીવીના શો સ્પ્લિટ્સવિલાની 14મી સિઝનમાં ભાગ પણ લીધો હતો. સંજના IPLની ગત સિઝનમાં કોલકતા નાઈટ રાઈડર્સના ફેન શોની હોસ્સો હતી.