દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે સંસદના બજેટ સત્રની તારીખ જાહેર કરવામાં આવી છે. સંસદનું બજેટ સત્ર 31 જાન્યુ.થી શરૂ થશે. 1 ફેબ્રુ.એ નાણામંત્રી નિર્મલા સીતારામન સામાન્ય બજેટ રજૂ કરશે. કહેવાઇ રહ્યું છે કે, કોરોનાના વધતા જતા કેસોને કારણે બજેટ સત્ર માટે બંને ગૃહો રાજ્યસભા અને લોકસભાનું કામકાજ શિફ્ટ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. બજેટ સત્ર બે અલગ-અલગ ચરણમાં રાખવામાં આવશ. સંસદમાં બજેટ સત્રની શરૂઆત 31મી જાન્યુ.થી શરૂ થશે તે જાહેર કરવામાં આવ્યું છે. સૂત્રો અનુસાર, સંસદીય બાબતોની કેન્દ્રીય સમિતિએ સંસદના બજેટ સત્રનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી અને બીજો તબક્કો 14 માર્ચથી 8 એપ્રિલ સુધી બોલાવવાની ભલામણ કરી છે.
ઉલ્લેખનિય છે કે, કોરોના સંક્રમણ સંસદના કર્મચારીઓને પણ ઝડપથી ઝપેટમાં લઈ રહ્યું છે. 9 થી 12 જાન્યુ.ની વચ્ચે સંસદના 300થી વધુ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા હતા. અગાઉ જાન્યુ. સુધી 400થી વધુ કર્મચારીઓને ચેપ લાગ્યો હતો. સૂત્રો અનુસાર, અત્યાર સુધીમાં લગભગ 718 સંસદ કર્મચારીઓ કોરોના સંક્રમણની ઝપેટમાં આવી ચુક્યા છે.