કલ્યાણપુર તાલુકાના ખીજદળ ગામે રહેતા એક યુવાનને પરસ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોય, જે અંગેનો ખાર રાખીને મહિલાના પતિએ યુવકનું તીક્ષ્ણ હથિયાર વડે ઢીમ ઢાળી દીધું હતું.
આ સમગ્ર બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ખીજદળ ગામે રહેતા વિરમદેવસિંહ કરણુભા જાડેજા નામના 30 વર્ષના યુવાનને આ જ ગામના ચંદ્રસિંહ રતુભા જાડેજા નામના શખ્સની પત્ની સાથે કથિત પ્રેમ સંબંધ હોય, આ સંબંધની જાણ મહિલાના પતિને થઈ ગઈ હતી.
આ પછી આરોપી ચંદ્રસિંહ રતુભા જાડેજાએ કોઈપણ બહાને વિરમદેવસિંહને ગઈકાલે સાંજે પોતાની વાડીએ બોલાવ્યા હતા. અહીં આવેલા વિરમદેવસિંહ પર આરોપી ચંદ્રસિંહ જાડેજા મારક હથિયાર અને બોથડ વસ્તુ વડે તૂટી પડ્યો હતો. જેથી ગંભીર રીતે લોહી-લુહાણ હાલતમાં વિરમદેવસિંહએ અંતિમ શ્વાસ લીધા હતા.
આ સમગ્ર બનાવ અંગે મૃતકના મોટાભાઈ સંજયસિંહ કરણુભા જાડેજા (ઉ.વ. 34)ની ફરિયાદ પરથી ્યણપુર પોલીસે ચંદ્રસિંહ રતુભા જાડેજા સામે હત્યા સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ બનાવ બનતા ડી.વાય.એસ.પી. સાગર રાઠોડ તેમજ એલ.સી.બી. અને સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહના પોસ્ટમોર્ટમ તેમજ આરોપીને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ બનાવમાં આગળની તપાસ ઈન્ચાર્જ પી.આઈ. વી.આર. શુક્લ ચલાવી રહ્યા છે. હત્યાના આ બનાવે નાના એવા ખીજદળ ગામમાં ભારે ચર્ચા જગાવી છે.