Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરખેતીના સંયુક્ત રસ્તે ઝાડ કાપવા મામલે ખેડૂત વૃઘ્ધની નિર્મમ હત્યા - VIDEO

ખેતીના સંયુક્ત રસ્તે ઝાડ કાપવા મામલે ખેડૂત વૃઘ્ધની નિર્મમ હત્યા – VIDEO

ત્રણ દિવસ પહેલાં વૃઘ્ધ સાથે ઝાડ કાપવા બાબતે ઝઘડો થયો : ગુરૂવારે સવારે સમાધાન માટે વૃઘ્ધને બોલાવ્યા : શખ્સે ઉશ્કેરાઇને ધારદાર સળિયા વડે વૃઘ્ધ ઉપર જીવલેણ હુમલો કર્યો : સારવાર દરમ્યાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો : પોલીસ દ્વારા મૃતકના પુત્રની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ

લાલપુર તાલુકાના નાંદુરી ગામમાં બાજુબાજુમાં આવેલા ખેતરમાં આવવા-જવાના સંયુક્ત રસ્તે નડતરરૂપ બાવળની ઝાળ કપાવવાની બાબતે ત્રણ દિવસ પહેલાં થયેલા ઝઘડાનો ખાર રાખી રાણાસરની ધાર સીમ વિસ્તારમાં વૃઘ્ધ ખેડૂતને સમાધાન માટે બોલાવી શખ્સે ધારદાર સળિયા વડે જીવલેણ હુમલો કરી ખેડૂતની હત્યા નિપજાવ્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

હત્યાના બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાંદુરી ગામમાં આવેલી રાણાધાર સીમ વિસ્તારમાં આવેલા જેતાભાઇ ભીખાભાઇ કરંગીયા (ઉ.વ.70) નામના વૃઘ્ધ ખેડૂતનું ખેતર આવેલું છે. તેમના ખેતરની બાજુમાં ખીમા લખમણ કરંગીયાનું ખેતર આવેલું છે. આ બન્ને ખેતર વચ્ચેના રસ્તામાં આવેલું બાવળની ઝાડ કાપવાની બાબતે ત્રણ દિવસ પહેલાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ ગુરૂવારે સવારે સાડા નવ વાગ્યાના અરસામાં જેતાભાઇ નામના વૃઘ્ધને ખીમા લખમણે સમાધાન માટે બોલાવ્યા હતા. તે દરમ્યાન વાતચીત થતાં ખીમા કરંગીયા ઉશ્કેરાઇ ગયો હતો અને નિંદામણ કરવાના કામ માટે ઉપયોગમાં લેવાતા ધારદાર સળિયા વડે જેતાભાઇ નામના વૃઘ્ધ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં જેતાભાઇને ગંભીર ઇજા પહોંચતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતા.
ત્યારબાદ ઘવાયેલા વૃઘ્ધને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા લાલપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત ગંભીર જણાતા જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન રાત્રિના સમયે મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. હુમલામાં વૃઘ્ધનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવ અંગે મૃતકના પુત્ર નગાભાઇ કરંગીયા દ્વારા જાણ કરવામાં આવી હતી. જેના આધારે પીઆઇ કે. એલ. ગળચર તથા સ્ટાફ હોસ્પિટલે પહોંચી ગયો હતો અને વૃઘ્ધના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ખીમા લખમણ કરંગીયા વિ અઘ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.

- Advertisement -

ઉલ્લેખનિય છે કે, જામનગર જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમ્યાન હત્યાની ત્રીજી ઘટના બનતા હાલારવાસીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. જેમાં પ્રથમ ઘટના લાલપુર તાલુકાના મુંગણી ગામમાં પ્રૌઢ ઉપર છરીના આડેધડ અનેક ઘા ઝીંકી હત્યા નિપજાવાઇ હતી. જ્યારે બીજી ઘટના જામનગરના ગુલાબનગર રેલવે ઓવર બીજ નીચેથી યુવાન દિવ્યાંગનો હત્યા નિપજાવેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં દિવ્યાંગને ટ્રેનના કોચમાં બેસવાની બાબતે બોલાચાલી થયા બાદ ચાલુ ટ્રેને ફેંકી દઇ હત્યા નિપજાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular