ભારતમાં કોરોનાની ગતિ બેકાબૂ બની ગઈ છે. સંક્રમણનાં વધતાં જતાં જોખમને ધ્યાનમાં રાખીને યુનાઇટેડ કિંગ્ડમના વડાપ્રધાન બોરિસ જોહન્સને તેમના ભારત પ્રવાસને ટાળ્યો છે. હવે તેઓ થોડા દિવસો પછી ભારત પ્રવાસે આવવાનો પ્લાન કરી શકે છે. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોહન્સન 25 એપ્રિલના રોજ ભારતની મુલાકાતે આવવાના હતા, પરંતુ તેમણે પ્રવાસ રદ કર્યો છે
વિશ્વમાં કોવિડ-19ના વધતા જતા કેસોને કારણે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોહન્સન પર ભારત પ્રવાસ મુલતવી રાખવા માટે દબાણ વધી રહ્યું હતું. બ્રિટનની વિપક્ષી લેબર પાર્ટીએ પણ બોરિસ જોહન્સનને તેમનો ભારત પ્રવાસ રદ કરવાની માગ કરી હતી. લેબર પાર્ટીએ સવાલ ઉઠાવ્યો હતો કે જોહન્સન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય સંબંધો મુદ્દે ઓનલાઇન ચર્ચા શા માટે કરતા નથી.
બોરિસ જોહન્સનનો ભારત પ્રવાસ બીજી વખત ટાળવામાં આવ્યો છે. આ પહેલાં 26 જાન્યુઆરીએ પણ જોહન્સન પ્રવાસ ટાળી ચૂક્યા છે