મહારાષ્ટ્રના નાગપુર ખાતે આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યાલય ખાતે દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે સંઘ પ્રમુખ મોહન ભાગવતે દેશમાં ગંભીર મંથન બાદ વ્યાપક જનસંખ્યા પોલિસી લાવવાની જરૂર હોવાનો મત વ્યક્ત કર્યો હતો.
મોહન ભાગવતે જણાવ્યું હતું કે, જનસંખ્યામાં પ્રમાણનું પણ સંતુલન હોવું જોઈએ, આપણે જનસંખ્યા અસંતુલનના ગંભીર પરિણામો ભોગવ્યા જ છે. એ 50 વર્ષ પહેલા બનેલું પરંતુ આજના સમયે પણ એવું બની જ રહ્યું છે. પૂર્વીય તિમોર નામનો એક નવો દેશ બન્યો, દક્ષિણ સુડાન નામનો એક દેશ બન્યો, કોસોવો બન્યો. જનસંખ્યામાં અંતરના કારણે નવા દેશ બની ગયા, દેશો તૂટી ગયા. જ્યારે બળજબરીથી, છળ-કપટ વડે અને લાલચ ઉપરાંત ઘૂસણખોરીના કારણે જનસંખ્યાની પેટર્ન બદલાય છે. આ સંતુલનનું ધ્યાન રાખવું દેશહિત માટે અનિવાર્ય છે.
મોહન ભાગવતે જણાવ્યું હતું કે, ’જનસંખ્યા નિયંત્રણની સાથે સાથે ધાર્મિક આધાર પર જનસંખ્યા સંતુલન પણ ખૂબ જ જરૂરી છે. તેને અવગણી ન શકાય. જનસંખ્યાને સંસાધનની જરૂર પડે છે. જો આ સંસાધનો વધાર્યા વગર જનસંખ્યા વધશે તો બોજારૂપ બની જશે. જો તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે સાધન પણ છે. સંપત્તિ પણ છે. કોઈ પણ દેશમાં 57 કરોડ યુવાનો નથી. આપણો પાડોશી દેશ ચીન વૃદ્ધ થઈ ગયો છે પરંતુ આપણે વિચારને સમજવા પડશે.’
વધુમાં જણાવ્યું હતું કે, જનસંખ્યા અસંતુલનના કારણે ભૌગોલિક સરહદોમાં પણ પરિવર્તન આવે છે. અસંતુલન માટેના કારણો ગણાવતા જણાવ્યું કે, જન્મદરમાં તફાવત ઉપરાંત બળજબરીથી કે લાલચ આપીને ધર્માંતરણ અને ઘૂસણખોરી પણ અસંતુલન પાછળના મહત્વના કારણો છે. આ સાથે જ તેમણે કોસોવો અને દક્ષિણ સુડાન જેવા દેશોના ઉદાહરણ આપ્યા હતા જે જનસંખ્યામાં ધર્મના અસંતુલનના કારણે સર્જાયા છે.
સંઘ પ્રમુખે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જનસંખ્યા માટે એક સમગ્ર નીતિ બનવી જોઈએ અને તેમાં કોઈને પણ છૂટ ન મળવી જોઈએ. તે સૌના પર એક સમાન રીતે લાગુ થવી જોઈએ. જો કોઈ વાતમાં ફાયદો હશે તો સમાજ તેને સરળતાથી સ્વાકારી લેશે પરંતુ જ્યાં દેશ માટે કશું ગુમાવવું પડે છે ત્યારે થોડી સમસ્યા આવે છે.