દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ મતદાન મથકોએ આવતીકાલે રવિવાર તા. 14 નવેમ્બરના રોજ તા.1 જાન્યુઆરી- 2022ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે. જેમાં લાયકાત ધરાવનાર કોઈ નાગરિકનું મતદાર યાદીમાં નામ દાખલ કરવાનું બાકી હોય તો સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં ખાસ કરીને 18 થી 19 વર્ષની વય ધરાવતા હોય તેવા નાગરિકોના નામની નોંધણી કે ઉમેરવાના બાકી હોય તેઓને માટે આ ઝુંબેશ મહત્વની રહેશે. નાગરીકો સરળતાથી પોતાના નામની નોંધણી કરાવી શકશે.
યુવા નાગરીકોને મતદાતા નોંધણી વિશે માહિતગાર કરવા આ ઝુંબેશનો પ્રચાર-પ્રસાર કરવા માટે જિલ્લામાં આવેલ દસ કોલેજોના સતર જેટલા કેમ્પસ એમ્બેસેડર દ્વારા કોલેજોમાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે. વધુમાં વધુ યુવા મતદારો ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓનલાઈન ફોર્મ ભરવા માટે વોટર હેલ્પલાઈન એપ અને એન.વી. એસ.પી. વેબસાઈટનો ઉપયોગ કરે તે માટે તેઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. ચૂંટણી પંચની સુચના મુજબ જિલ્લાના પ્રતિભાશાળી ચિત્રકાર અને જીવંત ચિત્ર સ્પર્ધામાં ભાગ લઈ વર્લ્ડ રેકોર્ડ ઓફ ગિનીસ બુકમાં નામ નોંધાવનાર સામતભાઈ બેલાને જિલ્લા આઈકોન તરીકે પસંદ કરવામાં આવે છે. જિલ્લામાં ભાવી મતદારો માટેની કુલ 182 સક્ષરતા કલબ, 399 ચુનાવ પાઠશાળાઓ અને 93 વોટર અવેરનેશ ફોરમ કાર્યરત છે.
જિલ્લાના 658 બીએલઓઓ, 71 સુપરવાઈઝર, નાયબ મામલતદાર અને તમામ ચાર તાલુકા મામલતદાર, બે પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લાની ચૂંટણી શાખાની ટીમ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે. તમામ રાજકીય પાર્ટી, સ્વીપ ગ્રુપ, કલાકારો, રમતવીરો અને સેવા ભાવિ સંસ્થાઓ, પ્રેસ મીડિયા, ઇલે.મીડિયા અને સોશ્યિલ મીડિયાનો, કેમ્પસ એમ્બેસેડરનો અને જિલ્લા આયકોનનો સહકાર મેળવી આગામી ઝુંબેશ ચલાવવામાં આવશે.
લાયકાત ધરાવનાર મતદારો મતદાનના અધિકારથી વંચિત ન રહી જાય તે હેતુથી મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા બાકી રહી ગયેલ લાયકાત ધરાવતા નાગરિકોની મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા ખાસ ઝુંબેશ હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવશે.
આ ખાસ ઝુંબેશ અંતર્ગત આગામી તા. 14, 21, 27, અને 28 નવેમ્બરના રોજ સવારે દસ થી પાંચ વાગ્યે રાજ્યનાં તમામ વિધાનસભા મત વિભાગમાં પ્રત્યેક મતદાન મથકો ખાતે બૂથ લેવલ ઓફિસર ઉપસ્થિત રહશે. જ્યાં મતદારયાદીની વિગતો ચકાસી શકશે તેમજ મતદારયાદીમાં મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ફોર્મ ભરીને સ્થળ પર રજૂ કરી શકશે.
ઉપરાંત મતદાર યાદીમાં રહેલા મતદારો પૈકી લાગુ કિસ્સામાં નામ કમી કરવા, ફોટો કે વિગતો સુધારવા માટે, સ્થળ ફેરફાર માટે ફોર્મ ભરીને રજૂ કરી શકશે. નિયત નમૂનામાં કોરા ફોર્મ્સ મતદાન મથક ખાતે ઉપસ્થતિ બૂથ લેવલ ઓફિસર પાસે ઉપલબ્ધ રહશે.