જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં શિવ સર્કલ પાસે આવેલી પાનની દુકાનમાંથી એલસીબીની ટીમે રેઇડ દરમિયાન રૂા.1.42 લાખની કિંમતની નશાયુકત પીણાની 680 બોટલ કબ્જે કરી હતી તેમજ દિગ્જામ સર્કલ પાસેથી 198 બોટલ અને અન્ય દુકાનમાંથી 70 બોટલ મળી કુલ 948 બોટલ કબ્જે કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાનની દુકાનોમાં નશાયુકત પીણાની બોટલો બેરોકટોક વેંચાણ થતું હોવાની એલસીબીના ક્રિપાલસિંહ જાડેજા, વનરાજ મકવાણા અને કિશોર પરમારને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા સહિતના સ્ટાફે ત્રણ સ્થળોએ રેઈડ કરી હતી. જેમાં દરેડ જીઆઈડીસીમાં શિવ સર્કલ પાસે આવેલી મુકેશ હરીરામ દામાની આશાપુરા પાન એન્ડ કોલ્ડીંકસની દુકાનમાંથી એલસીબીએ રૂા.1,02,000 ની કિંમતની 680 બોટલ કબ્જે કરી હતી.
તેમજ એલસીબીના મયુરસિંહ પરમાર અને હરદીપ બારડને મળેલી બાતમીના આધારે ખોડિયાર કોલોની દિગ્જામ સર્કલ પાસે અશોકસિંહ ઉર્ફે કાનો પ્રભાતસિંહ જાડેજાની પુષ્પરાજ પાનની દુકાનમાંથી રૂા.29,700 ની કિંમતની 198 બોટલ કબ્જે કરી હતી તથા દિગ્જામ સર્કલ પાસે આવેલી જીતુ ગંગારામ મંગેની બજરંગ પાનની દુકાનમાંથી એલસીબીએ રૂા.10500 ની કિંમતની 70 બોટલ નશાયુકત પીણા કબ્જે કર્યા હતાં. આમ એલસીબીએ કુલ 3 સ્થળે દરોડામાં રૂા.1,42,200 ની કિંમતની 948 નંગ નશાયુકત પીણાની બોટલો કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.


