દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા બેઠક માટે બંને તાલુકાઓના કેટલાક ભાગો અહીંના ઉમેદવારનું ભાવી નક્કી કરશે. ખંભાળિયા બેઠક પર ભાણવડ વિસ્તારના ગ્રામ્ય તથા શહેર મહત્વના ગણાય છે. તેમાં જે આગળ રહે તે વિજેતા બની શકે તેવી પરિસ્થિતિ છે.
આ વચ્ચે ગત ચૂંટણીમાં કોંગ્રેસને જંગી લીડ અપાવનાર ખંભાળિયા તાલુકાના સલાયા તથા વાડીનાર વિસ્તાર કે જે અગાઉ પણ કોંગ્રેસ માટે ફાયદારૂપ સાબિત થયા હતા. આ વિસ્તારોમાં આ વખતે આમ આદમી પાર્ટી દ્વારા પણ ભાગ પડે તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. આ સાથે ખંભાળિયાના કેટલાક વિસ્તારો કે જે ભાજપનો ગઢ ગણાય છે. સતવારા જ્ઞાતિના પ્રભુત્વવાળા કેટલાક વિસ્તારોમાં થયેલું મતદાન મહત્વપૂર્ણ સાબિત થશે.
દ્વારકા બેઠક માટે કલ્યાણપુર તાલુકો, ગ્રામ્ય તથા જામરાવલ મહત્વના સાબિત થશે. ઓખા વિસ્તારમાં મુસ્લિમ વસ્તીવાળા ભાગોમાં કોંગ્રેસને લીડ મળે તેવું ચિત્ર પણ ચર્ચા રહ્યું છે. જ્યારે દ્વારકા શહેર તથા તાલુકામાં ભાજપને લીડ મળે તેવી પણ ચર્ચા છે. દ્વારકા બેઠક માટે કલ્યાણપુર તાલુકો મહત્વનો તથા નિર્ણાયક સાબિત થશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા અને દ્વારકા બેઠકના ગુરુવારે મતદાન પૂર્ણ થયાના બીજા દિવસથી જ શરત બજાર ગરમ બની રહ્યું છે આ પંથકના લોકો એકબીજાને ઉમેદવારોની હારજીત અંગે સવાલો પૂછતા તથા આ બાબતે એકબીજાના અભિપ્રાયો જાણતા થયા છે.
જિલ્લાની બંને બેઠક પર ત્રિપાંખિયો ચુંટણી જંગ હોવા વચ્ચે બુકીઓના મતે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ક્યાંય જીતમાં નથી. જો કે, ખંભાળિયા તથા દ્વારકાની બેઠક પર મુખ્ય હરિફાઈ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે પરંતુ અહીં પ્રથમ વખત ત્રિપાંખિયો જંગ થયો હોય, કોણ કોના કેટલા મત તોડે છે અને કોણ કયા વિસ્તારમાં કપાય છે, તે પણ મહત્વનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે. જેથી તમામ લોકોને નજર આગામી તારીખ 8 ડિસેમ્બરની મતદાન ગણતરી પર છે અને લોકો આ બાબતે શરત મારતા પણ થયા છે.