જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા રામનગરમાં રહેતો અને મજૂરી કામ કરતા પ્રૌઢનો ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરેલો મૃતદેહ મળી આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સ્થળ પર મૃતદેહના પેટમાં હથિયારના ઘા નું નિશાન જોવા મળ્યું હતું. જેના આધારે પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી હત્યા છે કે આત્મહત્યા ? તે અંગેની તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા રામનગર શેરી નં.5 માં રહેતાં અને મજૂરી કામ કરતા પ્રવિણભાઈ હરજીભાઈ કણજારિયા (ઉ.વ.53) નામના પ્રૌઢનો મૃતદેહ આજે તેના ઘર નજીક ઝાડમાં ગળેફાંસો ખાધેલો મૃતદેહ મળી આવ્યાની જાણ કરાતા પીએસઆઈ ગામેતી તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી પ્રવિણભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં શરીરમાં કોઇ હથિયારના ઈજાનું નિશાન જોવા મળ્યું હતું અને લોહીનો ડાઘ પણ જોવા મળ્યો હતો. જેથી પોલીસના પ્રાથમિક તારણમાં હત્યા નિપજાવી મૃતદેહ લટકાવી દેવામાં આવ્યો હોવાની આશંકાએ તે દિશામાં તપાસ આરંભી હતી. પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. પોલીસને મૃતદેહ પાસેથી મૃતકનું આધાર કાર્ડ, મોબાઇલ અને પર્સ અને એક થેલી મળી આવતા કબ્જે કરી વધુ તપાસ આરંભી હતી.