ભાણવડ નજીકના બરડા ડુંગર વિસ્તારમાંથી ગુરુવારે બે માનવ અવશેષો મળી આવ્યા. બે વ્યક્તિઓના ગળાફાંસો ખાઈ લીધેલી હાલતમાં મળી આવેલા આ માનવ કંકાલ સંદર્ભે પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ આરંભી અને ગુમ થયેલા બે યુવક-યુવતીનો તાગ મેળવી, આ બંન સ્થાનિક રહીશ એવા પ્રેમી પંખીડા હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચકચારી બની ગયેલા આ પ્રકરણની વિગત મુજબ ભાણવડ નજીક આવેલા બરડા ડુંગર સ્થિત કિલેશ્ર્વર નેશ ખાતે ગુરુવારે આંબલીના ઝાડ પર દોરી વડે ટિંગાયેલી હાલતમાં બે હાડપિંજર પડ્યા હોવા અંગેની જાણ સ્થાનિક પોલીસને કરાઈ હતી. આ પ્રકરણને અનુલક્ષીને ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ તેમજ સ્થાનિક ઇ્ચાર્જ પી.આઈ. કે.કે. મારુની ટીમ દ્વારા આ સ્થળે દોડી જઈ અને વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.
આ માનવ કંકાલનો પોલીસે કબજો મેળવી અને પોસ્ટમોર્ટમ તેમજ એફએસએલ તપાસ અંગેની કરવામાં આવેલી કાર્યવાહી વચ્ચે પોલીસની ટીમ દ્વારા આ વિસ્તારમાં ગુમ થયેલા લોકો અંગેની માહિતી મેળવવાની કામગીરી પણ કરવામાં આવી હતી. પોલીસની સ્થળ તપાસમાં માનવ વસ્તી ખૂબ જ દૂર અને ગાઢ જંગલમાં પહોંચી ગયેલી આ બે વ્યક્તિઓની આજુબાજુમાં એક માદળિયું તથા એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. સાથે સાથે આ હાડપિંજર નજીક રહેલા કપડાને જોતા એક સ્ત્રી-પુરુષના કપડા હોવાનું જાણવા મળ્યું હતું.
આ તપાસમાં જોડાયેલી એલસીબી અને એસઓજી પોલીસની સઘન તપાસમાં આ જગ્યાએ બંને પુરુષ-સ્ત્રીએ ગળાફાંસો ખાઈ લીધો હોવાનું તેમજ આ સ્થળેથી એક ઝરણું પસાર થતું હોવાનું અને ત્યાં મહિલાના વાળનો અંબોડો તેમજ એક તાવીજ પડ્યું હતું. આખરે પોલીસને ાંપળેલી કડીમાં આ ચીજ-વસ્તુ નજીકના વિસ્તારમાં રહેતા મંજુબેન ભીખાભાઈ ચાવડા (ઉ.વ. 19) ની હોવાનું તેણીના પરિવારજનોએ વસ્ત્રો અને તાવીજ પરથી શોધી કાઢ્યું હતું.
જ્યારે અન્ય મૃતદેહના હાડકા-ખોપરી પાસેથી કાનમાં પહેરવાની સોનાની કડી મળી આવી હતી. જેના પરથી આ કંકાલ ભાણવડના ઢેબર ગામના કરસનભાઈ ભીખાભાઈ ફગાસનો હોવાનું તેમના કુટુંબીજનોએ ઓળખી કાઢ્યું હતું. આ યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હોય અને તેમના લગ્ન સંભવના હોવાથી તેઓએ ગાઢ જંગલમાં જઈને આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવે છે. જોકે અહીં એફ.એસ.એલ.ની ટીમ તથા મેડિકલ ટીમ દ્વારા બંનેના ડીએનએ ટેસ્ટની જરૂરી કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળેલ છે.
આજથી આશરે છ માસ પૂર્વે જૂન-2024 માસમાં આ યુવક તથા યુવતી ગુમ થયેલા હોવાની નોંધ સ્થાનિક પોલીસમાં કરવામાં આવી હતી. તે પછી છ માસ સુધી જંગલમાં દોરડા પર શરીર લટકતા હાડપિંજર થઈ ગા હતા અને હાડકાના પણ ટુકડા થઈ ગયા હતા.
આમ, પોલીસની ત્વરિત કાર્યવાહીથી બંને માનવ કંકાલનો ભેદ ઉકેલવામાં મહદ અંશે સફળતા મળી છે.