ઓખા નજીકના દરિયામાં માછીમારી કરી રહેલા એક બોટના માછીમારોને અન્ય એક બોટમાં સવાર શખ્સો દ્વારા બેફામ માર મારી છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ઓખાથી આશરે દસેક નોટિકલ માઇલ દૂર દરિયામાં શુક્રવારે માછીમારી કરી રહેલા મૂળ વલસાડ તાલુકાના નાની દાઢી ગામના રહીશ અને હાલ ઓખા ખાતે રહેતા મહેન્દ્રભાઈ જીતેન્દ્રભાઈ ટંડેલ (ઉ.વ 29) નામના વર્ષના યુવાનની બોટની નજીક માછીમારી કરતા સંગાતી નામની બોટ માછીમારોની જાળ મહેન્દ્રભાઈની બોટના પંખામાં આવી ગઈ હતી. જેથી તેમની બોટના સવાર એવા એક યુવાન દ્વારા પાણીમાં જઈને પંખામાંથી બોટની જાળ કાપી અને પરત આવી ગયા હતા. ત્યારબાદ ફરિયાદી મહેન્દ્રભાઈ ટંડેલની બોટ પર આવીને શાહરૂખભાઈની બોટના ટંડેલ તથા અન્ય બીજા પાંચ શખ્સો દ્વારા બિભત્સ ગાળો કાઢી, લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. આટલું જ નહીં, આરોપીઓ દ્વારા મચ્છી કાપવાના છરા વડે તેઓના કટકા કરી અને દરિયામાં ફેંકી દેવાની ધમકી પણ ઉચ્ચારવામાં આવી હોવાનું વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ઓખા મરીન પોલીસે શાહરૂખભાઈની બોટના ટંડેલ તથા અન્ય પાંચ શખ્સો સામે આઈપીસી કલમ 323, 324, 504, 506(2) 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી પી.એસ.આઈ. એમ.ડી. મકવાણા દ્વારા હાથ ધરવામાં આવી છે.