ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ પૂર્ણ થઈ છે. પ્રથમવાર બોર્ડ સભ્યો વગર જ બોર્ડ પરીક્ષા પૂર્ણ થઈ છે. 11મીથી ઉત્તરવહી મૂલ્યાંકન શરૂ થતા અંદાજે મે મહિનાના અંત સુધીમાં તમામ પરિણામો જાહેર કરી દેવાશે.
ગુજરાતમાં 28મી માર્ચથી શરૂ થયેલી ધો.10-12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષામાં આજે ધો.12 સામાન્ય પ્રવાહમાં આર્ટસમાં ગઇકાલે છેલ્લા બે વિષયોની પરીક્ષા હતી. સવારે રાજ્યશાસ્ત્ર વિષયની પરીક્ષામાં 4195 માંથી 118 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા.બપોરના સેશનમાં સમાજશાસ્ત્ર વિષયની પરીક્ષા હતી.જેમાં 175780 વિદ્યાર્થીમાંથી 6006 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા.આ સાથે બોર્ડ પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. આ વર્ષે પહેલેથી જ 3 લાખ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષાઓમાં 2020ની સરખામણીએ ઓછા નોંધાયા હતા. ઉપરાંત એક લાખથી વધુ વિદ્યાર્થીઓ જુદા-જુદા વિષયો-ધોરણમાં ગેરહાજર રહ્યા છે.આ વર્ષે 100થી પણ ઓછા કોપી કેસ-ગેરરીતિ કેસ નોંધાયા છે.મહત્વનું છે કે ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોની નિમણૂંક બાદ હજુ સુધી પરીક્ષા,નાણા,કારોબારી સહિતની સમિતિઓ જ નથી નિમાઈ અને પ્રથમવાર બોર્ડના સભ્યો વગર જ બોર્ડ પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. 11મીથી ઉત્તરવહી મૂલ્યાંકન શરૂ થઈ ગયુ છે. બીજા દિવસે ઉત્તરવહી મૂલ્યાંકનમાં શિક્ષકોની 100 ટકા હાજરી હતી. વિદ્યાર્થીઓ ઓછા હોવાથી ઉત્તરવહી મૂલ્યાંકન થોડુ વહેલુ પૂર્ણ થશે અને લગભગ 25મેથી30મે સુધીમાં તમામ પરિણામો જાહેર થઈ જશે. 15થી20 મેની આસપાસ 12 સાયન્સનું પરિણામ જાહેર કરી દેવાશે. ત્યારબાદ 12 સા.પ્ર.અને છેલ્લે ધો.10નું પરિણામ જાહેર થવાની શક્યતા છે.