દિલ્હીમાં બે દિવસથી ચાલી રહેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકના બીજા દિવસે એટલે મંગળવારે પાર્ટીએ એક મોટો નિર્ણય લેતા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના એક્સટેન્શનને મંજૂરી આપી દીધી છે. નડ્ડાનો કાર્યકાળ જૂન 2024 સુધી વધારવામાં આવ્યો છે. નડ્ડાનો હાલનો કાર્યકાળ 20 જાન્યુઆરીએ પૂરો થવાનો હતો. હવે તેઓ લોકસભા ચૂંટણી સુધી પાર્ટીની કમાન સંભાળશે. ગૃહમંત્રી અમિત શાહે જેપી નડ્ડાને એક્સટેન્શન આપવાની જાહેરાત કરી હતી. લાલકૃષ્ણ અડવાણી અને અમિત શાહ બાદ તેઓ ભાજપના ત્રીજા એવા નેતા બન્યા છે જેમને સતત બીજીવાર અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. રાજનાથ સિંહ પણ બે વખત પાર્ટીના અધ્યક્ષ બન્યા હતા. જૂન 2019માં જેપી નડ્ડા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બન્યા હતા.


