જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીની ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયાઓ પૂર્ણ થઇ ચૂકી છે. તમામ રાજકીય પક્ષો તથા અપક્ષ ઉમેદવારો સહિતના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઇ ચૂકયું છે. ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં હોય, રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં જોડાઇ ચૂકયા છે અને ઉમેદવારો મતદારોને રિઝવવા પ્રચાર-પ્રસાર વેગવંતો બનાવ્યો છે. ગઇકાલે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નં. 5ના કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) તેમજ સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
જામનગર મહાનગરપાલિકાની 64 બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારો સાથે ચૂંટણીના ફોર્મની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રચાર-પ્રસારનો ધમધમાટ શરુ થઇ ચૂકયો છે. વિવિધ વોર્ડમાં કાર્યાલયોના પ્રારંભ થઇ રહ્યાં છે. ગઇકાલે જામનગરના જોગસ પાર્ક નજીક વોર્ડ નં. 5ના કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું.
આ તકે પૂર્વ કોર્પોરેટર પ્રવિણભાઇ માડમએ વોર્ડ નં. પને ક્રીમ વોર્ડ ગણાવી વોર્ડના મતદારોની પ્રસંશા કરી હતી અને જણાવ્યું હતું કે, આ વોર્ડ હવે ખૂબ વધુ ટકાવારી સાથે મતદાન કરી ભાજપની પેનલને વિજેતા બનાવે છે. શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરાએ જણાવ્યું હતું કે, આ વોર્ડ નેતાઓનો વોર્ડ છે. આ વોર્ડમાંથી અનેક શહેર પ્રમુખો તેમજ સાંસદ તેમજ મંત્રીઓ પણ થયા છે અને જે અહીં વસવાટ કરે છે અને હું પોતે પણ આ વોર્ડમાંથી જ આવું છું અને આ વોર્ડ હંમેશા ભાજપનો ગઢ રહ્યો છે અને આ વખતે પણ ભાજપને જંગી બહુમતિથી જીતાડશે. તેવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. આ તકે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, ગાંધીનગર હોય કે, દિલ્હી જ્યારે પણ જામનગરની વાત થાય ત્યારે આ વોર્ડ હંમેશા અગ્રેસર રહે છે. ભાજપ માટે આ વોર્ડ એક ગર્વ સમાન રહ્યો છે. આ તકે આ વોર્ડના ઉમેદવારો આશિષભાઇ જોશી, કિશનભાઇ માડમ, બીનાબેન કોઠારી, સરોજબેન વિરાણીએ પણ વક્તવ્ય આપ્યું હતું અને ઉમેદવારોને ટિકિટ આપવા બદલ ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો અને મતદારોને વોર્ડના વિકાસની પરંપરા આગળ જાળવી રાખવા વિશ્ર્વાસ આપ્યો હતો.
આ તકે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, વોર્ડ નં. 5ના ઉમેદવારો આશિષભાઇ જોશી, સરોજબેન વિરાણી, કિશનભાઇ માડમ, બીનાબેન કોઠારી, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, ખુમાનસિંહ સરવૈયા, જીતુભાઇ લાલ, પરમાણંદભાઇ ખટ્ટર, બિપીનભાઇ ઝવેરી, વસંતભાઇ ગોરી, શેતલબેન શેઠ, મનોજભાઇ અનડકટ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અશોકભાઇ નંદા, હિતેનભાઇ ભટ્ટ, નિલેશભાઇ ઉદાણી, હસમુખભાઇ હિંડોચા, પૂર્વ કોર્પોરેટર પ્રવિણભાઇ માડમ, ભરતભાઇ મહેતા, વોર્ડ નં. 9ના ઉમેદવાર અને વોર્ડ નં. 5ના પૂર્વ કોર્પોરેટર નિલેશ કગથરા, પૂર્વ મેયર રાજુભાઇ શેઠ તથા સનતભાઇ મહેતા, સંઘ તેમજ લોહાણા અગ્રણી ભરતભાઇ મોદી, યુવા મોરચાના પ્રમુખ અજયસિંહ જાડેજા, પૂર્વ વોર્ડ પ્રમુખ નયનભાઇ વ્યાસ, પૂર્વ કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, વોર્ડના મહામંત્રી ગગુભાઇ ગઢવી, બીપીનભાઇ ચોટલીયા, શિક્ષણ સમિતિના સદસ્ય અમરશીભાઇ વાલાણી, મહિલા મોરચાના પારસબેન વૈશ્ર્ણવ, ગીતાબેન દવે, મનીષાબેન, ધારાબેન, નિર્મલાબેન દોંગા, વોર્ડના અગ્રણી દિપકભાઇ વાછાણી, બળુભા જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત વોર્ડ નં. પના પ્રમુખ, મહામંત્રી, યુવા મોરચો, મહિલા મોરચો સહિતના મોરચાના કાર્યકરો, હોદ્ેદારો તેમજ વોર્ડ નં. 5ના નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને ભારત માતાકી જય અને વંદે માતરમ્ના નાદ સાથે કાર્યાલયના ઉદ્ઘાટનમાં ભવ્ય જોશ દર્શાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એડવોકેટ વિરલ રાચ્છએ કર્યું હતું.