ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યએ શુક્રવારે ઓડિશા રાજ્યમાં અનાજની ખરીદીના મુદ્દે સેનિટાઇઝર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ખાદ્ય પુરવઠા અને ગ્રાહક કલ્યાણ પ્રધાન રણેન્દ્ર પ્રતાપ સ્વૈન જ્યારે અનાજની ખરીદીના મુદ્દે ગૃહમાં જવાબ આપી રહ્યા હતા, ત્યારે દેવગઢ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય સુભાષચંદ્ર પાણીગ્રહીએ વિરોધમાં સેનિટાઇઝર પીવાની કોશિશ કરી હતી.
સુભાષચંદ્રએ બાદમાં જણાવ્યું હતું કે મે સેનિટાઇઝર પીવાની કોશિશ એટલા માટે કરી હતી કે રાજ્યસરકારે મારી સામે અન્ય કોઈ વિકલ્પ જ છોડ્યો નથી. તેઓએ અનેક વખત ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો પરંતુ સરકારે ખેડૂતોની દુર્દશા પર ધ્યાન જ આપ્યું નથી. તેણે આરોપ લગાવ્યો હતો કે સરકાર મંડળોમાં ટોકન સિસ્ટમ અને મંડીઓમાં ગેરરીતિ જેવા ખેડુતોને લગતા પ્રશ્નોને ધ્યાન આપવામાં નિષ્ફળ ગઈ છે. વહેલી સવારે ભાજપના ધારાસભ્યએ રાજ્ય સરકાર ઉપર દબાણ લાવવા આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. તે જ સમયે, બજેટ સત્રના પ્રથમ તબક્કા દરમિયાન, તેમણે ગૃહમાં વિરોધ નોંધાવ્યો હતો અને ટૂંક સમયમાં જ ખેડુતો પાસેથી અનાજની ખરીદી નહીં કરવામાં આવે તો આત્મહત્યા કરવાની ધમકી આપી હતી.
ભાજપના સભ્યોએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કોંગ્રેસના ધારાસભ્યો સાથે ગૃહમાં વિરોધ નોંધાવતા સરકારને વિવિધ મંડળીઓમાંથી તુરંત જ પાકની ખરીદી કરવાની માંગ કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકારે ખેડૂતોની સમસ્યાના નિરાકરણ માટે કોઈ પગલા ભર્યા નથી. દરમિયાન, બીજેપીએ સિમિલીપલ નેશનલ પાર્ક સહિત રાજ્યના વિવિધ જંગલોમાં લાગેલી આગ અંગે ચર્ચા કરવા નોટિસ આપી હતી. સરકારની ચીફ વ્હીપ પ્રમિલા મલિકે કહ્યું કે તે વિપક્ષી સભ્યો દ્વારા ઉભા કરવામાં આવતા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે.