વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો વચનોની લ્હાણી કરતા હોય છે. ત્યારે આજે ભાજપે પોતાનો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અન ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની હાજરીમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાત આજે સમગ્ર દેશનું ગ્રોથ એન્જિન છે. રોજગારી આપવામાં ગુજરાત નંબર વન છે. ગુજરાત ઉદ્યોગોમાં પણ અગ્રેસર છે.
સંકલ્પપત્ર લોન્ચિંગ પ્રસંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું હતું કે, ભાજપ લોકોની અપેક્ષા પૂર્ણ કરતી પાર્ટી છે. અલગ-અલગ માધ્યમો દ્વારા સૂચનો મગાવવામાં આવ્યા હતા. ગુજરાતના લોકોએ સૂચવેલા સૂચનોનો દસ્તાવેજ છે, અમારો સંકલ્પ પત્ર. ભાજપે અત્યાર સુધી તમામ સંકલ્પો પૂર્ણ કર્યા છે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અગ્રેસર ગુજરાત 2022 સંકલ્પ પત્ર પ્રજા સમક્ષ રજુ થઈ રહ્યું છે. ગુજરાતની જનતાએ અપ્રતીમ પ્રેમ અને સ્નેહ આપ્યો છે. ભાજપનો આ સંકલ્પ અન્ય પાર્ટીની જેમ ઘોષણા પત્ર નથી. વૈશ્વિક યાત્રાનો દસ્તાવેજ છે.