Tuesday, September 17, 2024
Homeરાજ્યગુજરાત‘બિપરજોય’ પ્રચંડ બન્યું, કચ્છ-હાલારમાં મહાસંકટ

‘બિપરજોય’ પ્રચંડ બન્યું, કચ્છ-હાલારમાં મહાસંકટ

- Advertisement -

અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ’બિપરજોય’ હવે અતિપ્રચંડ બની શકે છે. હાલ બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 340 કિલોમીટર જ્યારે દ્વારકાથી 380 કિલોમીટર દૂર છે. હવે ધીમે ધીમે આગળ વધી રહ્યુ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યનાં તમામ બંદરો પર મંગળવાર અને બુધવારથી જ ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આજે કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

- Advertisement -

બીજી તરફ પોરબંદર, જામનગર, ઓખા, સલાયા, મુન્દ્રા, માંડવી અને જખૌ પોર્ટ પર નવ નંબરનું અતિભય સૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ મંત્રીઓને દરિયાકાંઠાના અલગ-અલગ જિલ્લાની જવાબદારી સોંપી છે. ત્યારે ગઈકાલે જૂનાગઢના માંગરોળના દરિયામાં ભારે તોફાન જોવા મળ્યું હતું. 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. ભારે તોફાનના કારણે દરિયાકાંઠા પરના પથ્થરો ઉછળીને બહાર આવ્યા હતા
અને માછીમારોના દંગામાં દરિયાના પાણી ઘૂસી ગયા હતા. તો યાત્રાધામ હર્ષદમાં પણ બજારમાં દરિયાના પાણી ફરી વળ્યા હતા.

પોલીસ અને સ્થાનિક તંત્રના તમામ કર્મચારીઓ, અધિકારીઓની રજા રદ કરી દેવાઇ છે અને કાંઠાના તમામ જિલ્લાઓમાં દરિયાકિનારા પરની ગતિવિધિને રોકી દેવામાં આવી છે. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ કાંઠાના જિલ્લાઓના કલેક્ટરોને સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવા અને ઝીરો હ્યુમન કેજ્યુઅલટી માટે જરૂરી તમામ સાવચેતીના પગલાં લેવા સૂચના આપી છે. મુખ્યમંત્રીએ આર્મી, નેવી અને કોસ્ટગાર્ડને પણ સ્થાનિક તંત્ર સાથે સંકલન માટે સ્ટેન્ડ બાય રહેવા પણ ચર્ચા કરી છે. આ ઉપરાંત સોમવારથી શરૂ થનારા શાળા પ્રવેશોત્સવને દરિયાકાંઠાના 6 જિલ્લાઓ દ્વારકા, પોરબંદર, કચ્છ, મોરબી, જામનગર અને જૂનાગઢ માં શાળા પ્રવેશોત્સવ હાલ પૂરતો મોકૂફ રાખવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કરવા સાથે અન્ય વિસ્તારોમાં 12-13 જૂન એમ બે દિવસ પૂરતો ટૂંકાવી દીધો છે. વિવિધ મંત્રીઓને આ જિલ્લાઓમાં પહોંચી રાહત બચાવની તૈયારીઓ પર દેખરેખ કરવા જવાબદારી આપી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના બંદરો પર ચાર નંબરના ભયજનક સિગ્નલો લગાવી દેવાયા છે.
પોરબંદર પોર્ટ પર ભયાનક 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સિગ્નલ બંદર વિસ્તાર તરફ વાવાઝોડું આવતું હોવાનું સૂચવે છે, પોરબંદર જિલ્લામાં લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. ’બિપરજોય’ વાવાઝોડાંને પગલે ગઈકાલે પોરબંદરના વાતવરણમાં પલટો આવ્યો હતો. જે બાદ થોડીવાર માટે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. ગઉછઋની એક ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાના પગલે પોરબંદરનો દરિયો તોફાની બન્યો છે. ચોપાટી નજીક દરિયામાં ઉંચા મોજાં ઊછળતાં જોવા મળ્યાં હતાં. પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે સ્થાનિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. વાવાઝોડું પોરબંદરથી હાલ 340 કિલોમીટર દૂર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular