જામનગર શહેર ભાજપા પ્રમુખ તરીકે પ્રથમ વખત મહિલા અધ્યક્ષની નિમણૂંક કરવામાં આવી છે જેમાં મહાનગરપાલિકાના પૂર્વ મેયર બીનાબેન કોઠારીની વરણી કરાતા કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. આજે શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી ખબર ગુજરાત દૈનિકની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા, જ્યાં મેનેજીંગ તંત્રી નીલેશભાઈ ઉદાણી અને નિવાસી તંત્રી નેમીષ મહેતા દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને મીઠું મોઢું કરાવ્યું હતું. આ તકે સીનીયર રિપોર્ટર પરેશભાઈ સારડા અને ટીમ દ્વારા બીનાબેનને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ જયેશભાઈ કટારીયા દ્વારા શુભેચ્છા પાઠવી મીઠું મોઢું કરાવ્યું હતું.
લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓનો અંત આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના ગુજરાતભરના જુદા-જુદા જિલ્લાઓના પ્રમુખોના નામોની ગુરૂવારે જાહેરાત થઈ હતી. નામોની યાદી તૈયાર થયા બાદ પ્રદેશ કક્ષાએથી લીલીઝંડી અપાયા બાદ યાદી તૈયાર થઈ હતી. જેને બંધ કવરમાં નામોની યાદી ચૂંટણી અધિકારીઓને આપવામાં આવી હતી. દરેક જિલ્લાના અલગ-અલગ સમય આપવામાં આવ્યો હતો. જે માટે હોદ્દેદારોને જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાં જામનગર શહેર ભાજપા અધ્યક્ષ તરીકે પુર્વ મેયર અને કોર્પોરેટર બીનાબેન કોઠારીની નિમણૂંક કરવામાં આવી હતી.
જામનગરમાં મેયર તરીકે ફરજ પૂર્ણ કર્યા બાદ કોર્પોરેટર તરીકે અને સંગઠનમાં સેવા આપી રહેલા બીનાબેન કોઠારી, બીજી વખત કોર્પોરટર તરીકે ચૂંટાયા હતાં. વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના કર્તવ્યનિષ્ઠ તથા ઉત્સાહી ઉમેદવાર બીનાબેન વર્ષોથી સંઘ પરિવાર સાથે સંકળાયેલા છે અને ભારતીય જનપા પાર્ટી પક્ષના સંગઠનમાં મહિલા મોરચા ઉપાધ્યક્ષ, મહિલા મોરચા મહામંત્રી, શિક્ષણ સમિતિના સભ્ય સહિતના હોદ્દા ઉપર ફરજ બજાવી ચૂકયા છે. કોર્પોરેટર તરીકે પ્રજાના કાર્યો નિષ્ઠાપૂર્વક કરવામાં અગે્રસર રહેલા બીનાબેનને ભારતીય જનતા પાર્ટીએ કોર્પોરેટરની સાથે સાથે શહેર ભાજપા અધ્યક્ષ તરીકે સેવા કરવાનો મોકો આપ્યો છે.
જામનગર શહેર ભાજપા કાર્યાલય ખાતે શહેર સંગઠનની બેઠકમાં જામનગર શહેર ભાજપાના પ્રમુખ તરીકે સૌ પ્રથમ વખત મહિલા પ્રમુખની જાહેરાત કરવામાં આવી હતી. પૂર્વ મેયર બીનાબેન કોઠારીને જામનગર શહેર ભાજપા પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતાં આ તકે પુર્વ શહેર ભાજપા પ્રમુખ વિમલભાઈ કગથરા, મેયર વિનોદભાઈ ખીમસુર્યા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. જામનગર શહેર ભાજપા કાર્યાલય ખાતે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, કોર્પોરેટરો, મહામંત્રીઓ, વોર્ડ પ્રમુખો, હોદ્દેદારો, ઉપરાંત પુર્વ શહેર ભાજપા પ્રમુખો હસમુખભાઈ હિંડોચા, અશોકભાઈ નંદા, નિલેશભાઈ ઉદાણી સહિતના હોદ્દેદારો-કાર્યકરો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.


