જામનગર-લાલપુર બાયપાસ કનસુમરાના પાટીયા નજીકના માર્ગ પરથી પસાર થતા બાઈક ચાલક પ્રૌઢને પુરપાટ આવી રહેલી બોલેરો કારે ઠોકર મારી હડફેટે લેતા પ્રૌઢનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, લાલપુર ગામમાં નાંદુરી રોડ પરના વતની અને હાલ જામનગર તાલુકાના દરેડ ગામમાં દ્વારકેશ સોસાયટીમાં રહેતા કાનજીભાઈ ઉર્ફે કાનાભાઈ પરમાર (ઉ.વ.52) નામના પ્રૌઢ મંગળવારે વહેલીસવારના છ વાગ્યાના અરસામાં તેના બાઈક પર જામનગર બાયપાસ કનસુમરા ગામના પાટીયા પાસેના રોડ પરથી પસાર થતા હતાં ત્યારે પુરપાટ બેફીકરાઇથી આવી રહેલી જીજે-37-વી-8338 નંબરની બોલેરો કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા કાનજીભાઈ બાઈક પરથી નીચે પટકાયા હતાં જેમાં તેને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર ગૌતમભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ વાય.વી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


