ધ્રોલ તાલુકાના વાગુદડ રોડ પર પીજીવીસીએલની ઓફિસ સામેના રોડ પરથી પસાર થતું બાઈક વરસાદને કારણે સ્લીપ થવાથી અકસ્માતમાં ચાલક પ્રૌઢનું શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામમાં રહેતાં અને ખેતી કરતાં ચંદુભાઈ કાનજીભાઈ ગડારા (ઉ.વ.55) નામના પટેલ પ્રૌઢ તેના ખેતરમાં મજૂરીકામ કરતા સુનિલભાઇની દિકરીને સારવાર માટે તેના જીજે-10-એએલ-6566 નંબરના બાઈક પર ધ્રોલ લઇ ગયા હતાં અને ત્યાંથી સારવાર કરાવી પરત આવતા હતાં ત્યારે ચાલુ વરસાદમાં ધ્રોલ નજીક વાગુદડ રોડ પર પીજીવીસીએલની ઓફિસ સામેથી પસાર થતા સમયે બાઈક પરનો કાબુ ગુમાવી દેતાં સ્લીપ થવાથી અકસ્માતમાં બાઈકચાલક ચંદુભાઈને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી.
ઈજાગ્રસ્ત પ્રૌઢને સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જયાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર હસમુખભાઈ દ્વારા જાણ કરાતા હેકો ડી.એ. રાઠોડ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.