કાલાવડ તાલુકાના નિકાવા પીપર રોડ પર મિત્રને મળવા જતા યુવકના બાઈકને પૂરઝડપે આવી રહેલી કારના ચાલકે ઠોકર મારી હડફેટે લેતા યુવકનું ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવમાં પોલીસે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં રહેતો હાર્દિકભાઇ (ઉ.વ.20) નામનો યુવક મંગળવારે બપોરના સમયે તેના જીજે-03-એફએ-0606 નંબરના બાઈક પર ભગત ખીજડિયા ગામમાં રહેતાં તેના મિત્રને મળવા જતો હતો તે દરમિયાન બપોરના એક વાગ્યાના સમયે નિકાવા ગામથી બે કિલોમીટર દૂર પીપર રોડ પર પહોંચ્યાો ત્યારે સામેથી પૂરઝડપે બેફીકરાઇથી આવી રહેલી જીજે-03-એનબી-9515 નંબરની વર્ના કારના ચાલકે બાઈકસવારને જોરદાર ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં હાર્દિકને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ યુવકનું મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવની જાણ થતા પીએસઆઈ વી એસ પટેલ તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જ્યાં સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના પિતરાઇ મયુર તરપદાના નિવેદનના આધારે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.