દેશભરમાં વધી રહેલી મોંઘવારીના પરિણામે લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેમાં પણ ખાદ્યતેલના ભાવ પહેલાંથી જ ભડકે બળી રહ્યા છે અને આવનારા દિવસોમાં ભાવમાં વધુ વધારો થઈ શકે છે. જેનું કારણ છે ઈન્ડોનેશિયાએ પામ ઓઈલની નિકાસ પર મુકેલ પ્રતિબંધ. તેના આ નિર્ણયના પરિણામે 2,90,000 ટન ખાદ્યતેલ ઈન્ડોનેશિયાના પોર્ટ અને ઓઈલ મીલમાં અટવાઈ ગયું છે. અને પામતેલમાં મોટો ઉછાળો આવ્યો છે.
સૌરાષ્ટ્રમાં બે દિવસમાં પામતેલમાં રૂ.80નો વધારો ઝીંકાયો છે. અને છેલ્લા અઠવાડિયામાં પામતેલમાં રૂ।. 130, સિંગતેલ અને કપાસિયા તેલમાં રૂ।. 40નો અને વનસ્પતિ ઘીમાં રૂ. 90નો તોતિંગ વધારો થઈ ગયો છે. જેના પરિણામે લોકોએ જીવન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. ઇન્ડોનેશિયા પામતેલનું સૌથી વધુ ઉત્પાદન કરતાં દેશ પૈકી એક છે. પરંતુ તેના આ નિણર્યથી ભારતની ચિંતા વધી ગઈ છે.
ખાદ્યતેલના સતત વધી રહેલા ભાવના પરિણામે વેપારીઓ પણ સ્ટોક રાખી રહ્યા નથી. તેમનું કહેવું છે કે ઈન્ડોનેશિયાને પણ નિકાસની આવકથી ફાયદો થાય છે. જેના પરિણામે નિકાસ પર રાખવામાં આવેલ પ્રતિબંધ વધુ રહેશે નહી. રિટેલ ફુગાવાના આંકડા અનુસાર વર્ષ 2021-22 ખાદ્યતેલના ભાવમાં 7.4 ટકાનો વધારો થયો છે. સતત વધી રહેલી મોંઘવારીના પરિણામે અને તેમાં પણ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારાના લીધે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.