વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ વચ્ચે ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે હજારો કાર્યકરોના જયઘોષ અને કેસરિયા માહોલ વચ્ચે સતત બીજી વખત ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. સીએમ પટેલ તેમજ 8 કેબિનેટ મંત્રી, રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલા સાથે બે મંત્રી તેમજ 6 રાજ્ય કક્ષાના મંત્રીની પણ સોગંદવિધિ તેમના સમર્થકોની ઉપસ્થિતિ વચ્ચે થઇ હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી મંડળના સભ્યો અને ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ પણ શપથ વિધિના ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ ધર્મ-સંપ્રદાયના સંતો-મહંતોએ પણ ઉપસ્થિત રહીને મંત્રી મંડળને આશીર્વાદ આપ્યા હતા. ભાજપના કુલ 156 ધારાસભ્યો ચૂંટાયા હોવા છતાં સીએમ પટેલ સહિત ફક્ત 17 સભ્યોનો જ મંત્રી મંડળમાં સમાવેશ થયો હતો. ગત મંત્રી મંડળના કેટલાક સિનિયર ગણાતા મંત્રીઓને પડતા મૂકાતા અને નવા અનેક નામો ચર્ચામાં હતા છતાં નાનું મંત્રી મંડળ બનાવાતા તેના કારણો અંગે ગણગણાટ પણ શરૂ થવા પામ્યો હતો. સાંજે મળેલી કેબિનેટમાં મંત્રીઓને ખાતાની ફાળવણી પણ કરી દેવામાં આવી હતી.