ખંભાળિયા શહેરમાં આવેલા મહાદેવવાડા પાસે વિશાળ એવા હરિનામ સંકીર્તન મંદિર પરિસરમાં ભગવાન શ્રી રામચંદ્રજી, હનુમાનજી સાથેના મંદિરનું ભૂમિપૂજન ભવ્ય રીતે સંપન્ન થયું હતું. જેમાં આ વિસ્તાર મંદિરના મુખ્ય દાતા ધનરાજભાઈ નથવાણી સાથે મોટી સંખ્યામાં મહાનુભાવો તથા ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગેની વિગત મુજબ ખંભાળિયામાં પૂજ્ય પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત પ્રેમ પરિવારના સંકીર્તન મંદિરની વિશાળ જગ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ માટેનો ભૂમિ પૂજન સમારોહ ગુરુવારે યોજવામાં આવ્યો હતો. આ માટે શ્રી હરિનામ સંકીર્તન મંદિર ટ્રસ્ટ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરની જાણીતી ધાર્મિક સંસ્થા અને જેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે તે બાલા હનુમાન મંદિર ટ્રસ્ટના વડપણ હેઠળ ચાલતી આ સંસ્થાના સક્રિય પ્રમુખ જીતુભાઈ લાલની રાહબરી હેઠળ યોજવામાં આવેલા આ નિર્માણ કાર્ય માટે ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી તેમજ રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણી દ્વારા નોંધપાત્ર રકમનું અનુદાન સાંપળ્યું છે. આ ભૂમિ પૂજન
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ધનરાજભાઈ નથવાણીએ જણાવ્યું હતું કે, જામનગરના બાલા હનુમાન મંદિરની જેમ ખંભાળિયામાં પણ અહીં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય અને મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા આવે તેવી અપેક્ષા રાખું છું. ભગવાન શ્રી રામ અને હનુમાનજીમાં લોકોની આસ્થા વધે તે માટેના આ ભગીરથ પ્રયાસને તેમણે આવકારીને જામનગર બાલા હનુમાન ટ્રસ્ટના કાર્યકરોની આ સેવાને પણ બિરદાવી હતી. જામનગર અને દ્વારકાના પ્રખ્યાત મંદિરો જેવી ખ્યાતિ અને આસ્થા ખંભાળિયાનું આ મંદિર મેળવે એવી પણ ધનરાજભાઈએ અભ્યર્થના કરી હતી.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન તથા ઉદબોધન કરતા જીતુભાઈ લાલે જણાવ્યું હતું કે, પરિમલભાઈ નથવાણી તથા ધનરાજભાઈ નથવાણી દ્વારા રૂ. પોણા બે કરોડથી વધુ રકમના નોંધપાત્ર આર્થિક સહયોગથી હાથ ધરવામાં આવેલા આ નિર્માણ પ્રસંગે આગામી દિવસોમાં ખંભાળિયાવાસીઓ અહીં દર્શન તેમજ રામધુનનો લાભ લેશે. આટલું જ નહીં, મંદિરના નિર્માણ બાદ જામનગરની જેમ જ ખંભાળિયામાં પણ અખંડ રામધૂનની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવનાર હોવાનો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ ધર્મોત્સવમાં અહીંના જિલ્લા કલેકટર આર.એમ. તન્ના અને જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ ઉપરાંત જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય, ડિસ્ટ્રિક્ટ જજ વ્યાસ, અહીંના સંકીર્તન મંદિર ટ્રસ્ટના પ્રમુખ દીપકભાઈ દતાણી, નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી ડીવાયએસપી વી.એમ. માનસેતા, રિલાયન્સના ભાવિકભાઈ બરછા સહિતના મહાનુભાવો તેમજ ટ્રસ્ટીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મંદિરના મુખ્ય દાતા ધનરાજભાઈ નથવાણીને હાલારી પાઘડી પહેરાવીને ભવ્ય રીતે સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગિરીશભાઈ ગણાત્રાએ કર્યું હતું.
આશરે 55 હજાર ફૂટથી વધુની વિશાળ જગ્યામાં આશરે રૂપિયા બે કરોડથી વધુના ખર્ચે કુદરતી સુંદરતા વચ્ચે નિર્માણાધિન આ શિખરબદ્ધ મંદિર જિલ્લાભરના ભક્તજનો માટે આકર્ષણ તેમજ આસ્થાનું કેન્દ્ર બની રહેશે તેવો સુર પણ સાંભળવા મળ્યો હતો.


