જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં રહેતાં અને મજૂરી કામ કરતો યુવાન 10 દિવસ પહેલાં ભોજાબેડી તરફ આવતો હતો તે દરમિયાન રીક્ષા આડે કૂતરુ ઉતરતા પલ્ટી ખાઈ જવાથી ઈજા પહોંચતા યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં રહેતો અને મજૂરી કામ કરતો ધનજીભાઈ ઉર્ફે ચિરાગ કરશનભાઈ ચાવડા (ઉ.વ.30) નામનો યુવાન ગત તા. 11 ના રોજ બપોરના સમયે શેઠવડાળાથી ભોજા બેડી ગામ પાસે આવેલા 66 કે.વી. નજીક રીક્ષામાં જતો હતો તે દરમિયાન રસ્તામાં કૂતરુ આડુ ઉતરતા રીક્ષા પરનો કાબુ ગુમાવી દેતા પલ્ટી ખાઈ ગઈ હતી જેમાં ધનજીભાઈને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ કેતન દ્વારા જાણ કરાતા એએસઆઈ એસ.એચ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.