ફાગણ સુદ 13 ને ગુજરાતીમાં ફાગણ સુદ ત્રયોદશી કે ફાગણ સુદ તેરસ કહેવાય છે. પાલીતાણા શત્રુંજય મહાતીર્થની છ ગાઉની યાત્રા વર્ષમાં એક જ દિવસ ફાગણ સુદ તેરસના દિવસે થાય છે.
આ દિવસે જૈન શાસ્ત્ર મુજબ 8 કરોડ જૈન મુનિઓ શત્રુંજય મહાતીર્થ પર મોક્ષ પામ્યા હતા. તેથી આ ધાર્મિક કથા અનુસાર છ ગાઉ યાત્રાનું મહત્વ વિશેષ ગણવામાં આવે છે. શહેરમાં ચાંદીબજારમાં આવેલ શેઠજી દેરાસરમાં મુળ નાયક આદેશ્વર ભગવાન બિરાજમાન છે. આજે સવારે 7:30 કલાકે શેઠજી દેરાસરના ચોકમાંથી ભાવયાત્રા નિકળી હતી. ભાવયાત્રા બાદ શેઠજી દેરાસરની બાજુમાં આવેલ જ્યોતિ વિનોદ જૈન ઉપાશ્રયમાં ભરત ચક્રવર્તિ બનીને ઉદ્ઘાટનનો લાભ લેનાર પૂણ્યશાળી પરિવાર પારેખ છગનલાલ કરશનજીએ રચનાત્મક પ્રતિકૃતિના દર્શન સંઘને કરાવ્યા હતા. આ યાત્રામાં કોર્પોરેટર નિલેશ કગથરા, જૈન અગ્રણી-કિરીટ મેતા, ગૌતમ દોશી, ભરત મેતા સહિતનાઓએ દર્શનનો લાભ લીધો હતો અને આ દર્શનનો લાભ આજે રાત્રે 11 વાગ્યા સુધી જૈન-જૈનેતરો લઇ શકશે. આ ઉપરાંત જૈન યંગ એલર્ટ ગ્રુપ-જામનગર દ્વારા શહેરના ચાંદીબજારમાં આવેલ લોકાગચ્છની વાડીમાં પાલ ભક્તિમાં પ્રસાદીનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.