ખંભાળિયા તાલુકાના અકસ્માતે મોતના ચાર બનાવમાં પ્રથમ બનાવ ભાણવડ તાલુકાના શિવા ગામના તરૂણને ઝાડા-ઉલ્ટી થતાં અપાયેલી દવાનું રીએકશન આવતાં તેનું મોત નિપજયું હતું. કલ્યાણપુરના નગડિયા ગામે પરપ્રાંતિય બાળકને સર્પે દંશ દેતાં મૃત્યુ નિપજયું હતું. કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં રહેતો યુવાન નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજયું હતું. દેવળિયા ગામે યુવાનેન દારૂ પીવાની ટેવ હોય હાર્ટએટેક આવી જતાં તેનું મોત નિપજયું હતું.
પ્રથમ બનાવ ભાણવડ તાલુકાના શીવા ગામે રહેતા આલા એભાભાઈ કનારા નામના 16 વર્ષના યુવાનને ત્રણેક દિવસથી ઝાડા-ઉલટીની બીમારી હોય, જેથી સારવાર અર્થે તેમને ભાણવડ ખાતે આવેલી એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને જરૂરી બાટલાઓ ચડાવી અને ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. આ અંગે આલાભાઈને રિએક્શન આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જે અંગેની જાણ હમીરભાઈ પરબતભાઈ કનારાએ પોલીસને કરતાં પોલીસે ખાનગી હોસ્પિટલે પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ કલ્યાણપુરથી આશરે 25 કિલોમીટર દૂર નગડીયા ગામે રહેતા અને મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર વિસ્તારના રહીશ હરિઓમ માધુ વાસ્કલે નામના સાત વર્ષના બાળકને હાથના કાંડામાં ઝેરી સર્પે દંશ દેતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પિતા માધુ ભૂરા વાસ્કલે કલ્યાણપુર પોલીસન કરતાં પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલવા સહિતની કાર્યવાહી આરંભી હતી.
ત્રીજો બનાવ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે હનુમાનધાર ખાતે રહેતા રણમલભાઈ ઘેલાભાઈ જમોડ (ઉ.વ.45) નામના યુવાન રાવલ તરફ જઈ રહ્યા હતા. ત્યારે એક મંદિર પાસે પહોંચતા તેમણે પોતાનું મોટરસાયકલ એક બાજુ ઊભું રાખી અને નીચે ઉતરીને દુકાને પાણી પીવા ગયા હતા. ત્યારે અચાનક તેઓ અકળ કારણોસર નીચે પટકાઈ પડ્યા હતા. જેથી તેમને માથાના ભાગે તેમજ આંખના ભાગે ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ બાબુભાઈ ઘેલાભાઈ જમોડએ પોલીસને કરતાં પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલવા સહિતની કાર્યવાહી આદરી હતી.
ચોથો બનાવ તાપી જિલ્લાના નિર્મર ગામના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના દેવરીયા (સતાપર) ગામે રહેતા વિનોદભાઈ સુભાષભાઈ ઠાકરે નામના 45 વર્ષના યુવાનને દારૂ પીવાની ટેવ હોય ગઈકાલે શુક્રવારે હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ સંજયભાઈ મોહનભાઈ પાડવીએ પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.


